દિવાળીના તહેવારોમાં પ્રવાસનું આયોજન કરી રહેલા નાગરિકો માટે સાયબર ક્રાઇમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને બેંકમાંથી નિવૃત્ત થયેલા ક્નિીનભાઈ હાથી સાથે ઓનલાઇન હોટેલ બુકિંગના નામે રૂ. ૯,૭૭,૮૦૦/- ની સાયબર ઠગાઈ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
મળેલી માહિતી મુજબ, ફરિયાદી ક્નિીનભાઈ હાથીને દિવાળી વેકેશન દરમિયાન નાગપુર જવા માટે રૂમ બુકિંગ કરાવવાનું હતું. આ માટે તા. ૧૯/૧૦/૨૦૨૬ ના રોજ તેમણે Airbnb નામની મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન સર્ચ શરૂ કર્યું હતું. જોકે, એપના ઓનલાઈન ફોર્મમાં પાન કાર્ડ (PAN Card) નો ફોટો અપલોડ થઈ રહ્યો ન હતો.
તકલીફ જણાતાં તેમણે ઓનલાઈન શોધેલા Customer Care Ahmedabad Air Bnb ના મોબાઈલ નંબર ૬૨૯૧૪૧૮૯૭૪ પર સંપર્ક કર્યો હતો. સામેની અજાણી વ્યક્તિએ પોતાની ઓળખ કસ્ટમર સપોર્ટ તરીકે આપીને વીડિયો કોલ તથા વોટ્સએપ ચેટ મારફતે વાતચીત કરી હતી. ત્યારબાદ મદદ કરવાના બહાને તેણે Customer_Support_FUD.apk નામની એક ફાઈલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઈલ ડાઉનલોડ કરી વોટ્સએપ પર પાન કાર્ડ મોકલી આપ્યું હતું.
ત્યારબાદ ઠગે વોટ્સએપ કોલ ચાલુ રખાવી રૂમ રિઝર્વેશન થયાનો સ્ક્રીનશોટ મંગાવતા ક્નિીનભાઈએ સ્ક્રીનશોટ મોકલી આપ્યો હતો.
બેંક વેરિફિકેશનના નામે બીજી APK ફાઈલ મોકલી
આ જ સમયગાળા દરમિયાન અન્ય એક મોબાઈલ નંબર ૯૪૧૪૨૨૯૫૫૮ પરથી Bank of India pension card verification online નામની બીજી APK ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલ પર ટચ કરતા જ મોબાઈલમાં Bank of India ની બેંકિંગ એપ ડાઉનલોડ થઈ ગઈ હતી. શંકા ઉપજતાં ક્નિીનભાઈએ તુરંત જ એ એપ ડિલીટ કરી દીધી હતી.
૧૭ ટ્રાન્ઝેક્શન કરીને ૯.૭૭ લાખ ઉપાડી લીધા
બીજા દિવસે એટલે કે તા. ૨૦/૧૦/૨૦૨૬ ના રોજ ક્નિીનભાઈના Bank of India ના ખાતામાંથી રૂ. ૧૧,૮૦૦/- ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો અને ખાતામાં બેલેન્સ ઓછું બતાવી રહ્યું હતું. તેમણે તુરંત બેંકનો સંપર્ક કરી ખાતું બ્લોક કરાવ્યું હતું.
ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અજાણ્યા સાયબર ઠગ દ્વારા તા. ૧૯/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ ના ટૂંકા સમયગાળામાં કુલ ૧૭ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂ. ૯,૭૭,૮૦૦/- ની રકમ ટ્રાન્સફર કરી લઈને મોટી છેતરપિંડી આચરવામાં આવી છે.
પોલીસ તપાસ ચાલુ
આ અંગે ક્નિીનભાઈ હાથીએ તા. ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ. ડી. ચાવડા ચલાવી રહ્યા છે.
સાયબર હેલ્પલાઈન ચેતવણી: કોઈપણ અજાણી વ્યક્તિ કે અનધિકૃત નંબર પરથી મળતી APK ફાઈલ ક્યારેય ફોનમાં ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરવી નહીં. કસ્ટમર કેરના નંબર હંમેશાં જે-તે કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી જ મેળવવા.