નરોડાના વેપારીનો મોબાઈલ હેક કરી ₹૩.૭૦ લાખની સાયબર ઠગાઈ: કૃષ્ણનગર પોલીસ મથકે ગુનો નોંધાયો

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપારી ધર્મેશકુમાર મગનલાલ ગજેરા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા ઠગબાજે તેમનો મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી રૂ. ૩.૭૦ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી છે. આ અંગે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​ઓનલાઈન ટ્રાન્સફર કરી ખાતું સાફ કર્યું

​પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા નરોડા સ્થિત ઉમા સ્કૂલ સામે, સોમેશ્વર પાર્કટ વેણુગોપાલ સોસાયટી પાસે રહેતા ધર્મેશકુમાર ગજેરા (ઉ.વ.૩૯) નો મોબાઈલ ફોન ગત તા. ૦૨/૧૦/૨૦૨૬ ના રોજ અજાણી વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હેકરે ઈન્ટરનેટ Banking / ડિજિટલ માધ્યમથી ધર્મેશકુમારના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી તબક્કાવાર કુલ રૂ. ૩,૭૦,૬૩૬/- ટ્રાન્સફર કરી લીધા હતા.

​પોતાના ખાતામાંથી અચાનક નાણાં ઉપડી ગયા હોવાની જાણ થતાં ધર્મેશકુમારે આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તા. ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ વિધિવત ફરિયાદ નોંધાવી છે.

​પી.આઈ. વી.એચ. જોષી દ્વારા તપાસનો ધમધમાટ

​ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) શ્રી વી.એચ. જોષી એ આ ગુનાની તપાસ પોતાના હસ્તક લીધી છે. સાયબર ક્રાઈમ અને ટેકનિકલ સેલની મદદથી હેકર તથા નાણાં જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે તેના લોકેશન અને આઈપી એડ્રેસ મેળવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts