​અમદાવાદના નારોલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના: પૂરપાટ ટ્રકે અડફેટે લેતા બાઇકચાલક યુવકનું કરુણ મોત

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરમાં બેફામ વાહનચાલકોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે નારોલ વિસ્તારમાં આવેલા અપલોલો ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના ચાર રસ્તા પર વધુ એક હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા આઇશર ટ્રકે બાઇકચાલક યુવકને જોરદાર ટક્કર મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

​ઘટનાની વિગતવાર માહિતી:

​શાહવાડી, નારોલ ખાતે આવેલા પંચશીલ રેસિડેન્સીમાં રહેતા ૨૪ વર્ષીય જયેશકુમાર મકવાણા સી.જી. રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત ૨૧ ઓક્ટોબરની સાંજે તેઓ પોતાની બાઇક લઈને નારોલ અપલોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

​તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા આઇશર ટ્રકના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં જયેશકુમારને માથામાં, કપાળના ભાગે તથા ડાબા હાથે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી.

​સમયસર 108 ન મળતા રીક્ષામાં લઈ જવાની પડી ફરજ:

​અકસ્માત સર્જ્યા બાદ આઇશર ટ્રકનો ચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ 108 આવવામાં મોડું થતાં યુવકને તાત્કાલિક રીક્ષામાં બેસાડીને નારોલ સર્કલ સુધી અને ત્યાંથી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.

​પોલીસ કાર્યવાહી:

​આ અકસ્માત અંગે કે-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

​

 

Related Posts