નરોડાના યુવક સાથે એમેઝોન પ્રોડક્ટ રેન્કિંગ ટાસ્ક અને નફાની લાલચ આપી રૂ. ૯.૬૬ લાખની ઓનલાઈન ઠગાઈ

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે નરોડા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ઓનલાઈન ટાસ્ક પૂરો કરવાના બહાને રૂ. ૯,૬૬,૩૦૨/- ની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​ઘટનાની વિગતો:

નરોડામાં ગેલેક્સી સિનેમા પાછળ આવેલી અવધપુરી સોસાયટીમાં રહેતા ધ્રુવકુમાર રાકેશભાઈ પટેલ (ઉ.વ. ૨૪) દ્વારા ગત તારીખ ૨૫/૧૦/૨૦૨૬ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ, ગત તા. ૦૯/૧૦/૨૦૨૬ થી તા. ૨૧/૧૦/૨૦૨૬ દરમિયાન આ સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો.

​ફરિયાદી ધ્રુવ પટેલનો સંપર્ક વોટ્સએપ નંબરો (+૬૬૯૯૬૩૬૫૮૪૫ અને +૪૪૭૪૭૯૪૨૬૬૪૬) પરથી કેટલાક અજાણ્યા શખ્સોએ કર્યો હતો. આરોપીઓએ તેમને Amazon પ્રોડક્ટ રેન્કિંગ ના ટાસ્ક પૂર્ણ કરી ઘરે બેઠા ઘરના નાણાં કમાવવાની લાલચ આપી હતી.

​ઠગાઈનું આખું નેટવર્ક:

૧. પ્રલોભન અને વિશ્વાસ સંચય: શરૂઆતમાં આરોપીઓએ ધ્રુવ પટેલને ‘IY0M’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડ્યા હતા. નાના-નાના ટાસ્ક પૂરા કરાવ્યા બાદ શરૂઆતમાં થોડી રકમ પરત મોકલી આપી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.

૨. ટેલિગ્રામ અને ફેક પોર્ટલનો ઉપયોગ: ત્યારબાદ અલગ-અલગ લિંક મોકલીને તેમને ટેલિગ્રામ તથા અન્ય વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. એક બનાવટી (fake) ઓનલાઈન પોર્ટલ મારફતે ટાસ્ક પૂરા કરાવવાનું નાટક શરૂ થયું હતું.

૩. વિવિધ ચાર્જીસના નામે ઉઘરાણી: શરૂઆતમાં થોડી રકમ ઉપાડવાની મંજૂરી આપ્યા બાદ, જ્યારે યુવકે વધુ નાણાં ઉપાડવા પ્રયાસ કર્યો ત્યારે ‘પ્રોસિજર’, ‘ટેક્સ’, ‘ઇન્શ્યોરન્સ’ અને અન્ય વિવિધ ચાર્જીસના નામે ઓનલાઈન માધ્યમથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા ૯,૬૬,૩૦૨/- ભરાવડાવ્યા હતા.

​પૈસા ભરાવ્યા પછી પણ ન તો રોકાણની રકમ કે ન તો કોઈ નફો પરત આપવામાં આવ્યો હતો, અને આરોપીઓએ કોઈ જવાબ ન આપી છેતરપિંડી આચરી હતી.

​પોલીસ તપાસ:

આ ગંભીર સાયબર ક્રાઈમના ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી. બરવાડીયા ચલાવી રહ્યા છે.

Related Posts