અમદાવાદ: રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ઇસનપુર પોલીસની સફળતા

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન ઇસનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડીને નજર ચૂકવીને દાગીના અને રોકડ રકમ ચોરી કરી લેતી કુખ્યાત ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી સોનાની બંગડીઓ, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

​ઘટનાની વિગત:

​ગત ૨૧ ઓક્ટોબરના રોજ બપોરના સમયે એક મહિલા મણિનગર રેલવે સ્ટેશન પાસેથી પોતાના ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન રિક્ષાચાલક અને તેની સાથેના અન્ય શખ્સોએ મહિલાને તેમના ઘરે ઉતારવાને બદલે રસ્તામાં ઇસનપુર હીરાભાઈ ટાવર પાસે આવેલ અમુલ પાર્લર પાસે ઉતારી દીધા હતા.

​ત્યારબાદ આરોપીઓએ નજર ચૂકવીને મહિલાના થેલામાં રહેલા પર્સમાંથી સોનાની બે બંગડી તથા રોકડ રૂપિયા ૪,૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

​સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ ઝડપાયા:

​ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એલ. રબારી અને તેમની ટીમે સી.સી.ટી.વી. ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષાની નંબર પ્લેટ ટ્રેક કરી આરોપીઓની ઓળખ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી ગયેલ સોનાની બંગડીઓ અને રોકડ રૂપિયા સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

​પકડાયેલા આરોપીઓની વિગત:

​૧. અનીસ ઉર્ફે બાબુ હમીદભાઈ શેખ (ઉ.વ. ૩૨, રહે. આબાદનગરના છાપરા, દાણીલીમડા પોલીસ લાઈન સામે, દાણીલીમડા, અમદાવાદ શહેર)

૨. શાહનવાઝ જુમ્માખાન પઠાણ (ઉ.વ. ૨૮, રહે. આબાદનગરના છાપરા, દાણીલીમડા પોલીસ લાઈન સામે, દાણીલીમડા, અમદાવાદ શહેર)

​આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:

​પકડાયેલા મુખ્ય આરોપી અનીસ વિરુદ્ધ અગાઉ માધવપુરા, ઓઢવ, કાગડાપીઠ, પાલડી, ઇસનપુર, મહેસાણા તાલુકા અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરી તથા અટકાયતી પગલાં (પાસા) હેઠળના કુલ ૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે શાહનવાઝ વિરુદ્ધ પણ કાગડાપીઠ અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

​રીકવર કરેલ મુદ્દામાલ:

​સોનાની બે નંગ બંગડી

​બજાજ કંપનીની સી.એન.જી. ઓટો રિક્ષા (નં. GJ.01.TG.6636, કિંમત અંદાજે ₹૧,૨૦,૦૦૦/-)

​રોકડ રૂપિયા ૪,૦૦૦/-

​આ સફળ કામગીરી કરનાર ઇસનપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. સી.એલ. રબારી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે.

Related Posts