સાંતેજ: પત્રકારની ઓળખ આપી તોડબાજી કરતી ગેંગનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ

જાગૃત ગુજરાત ન્યૂઝના નામે ખંડણી ઉઘરાવનાર ઝડપાયો

by Bansari Bhavsar

સાંતેજ, ગાંધીનગર:

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેસ રિપોર્ટરની ઓળખ આપી ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવતી ટોળકીના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. ‘જાગૃત ગુજરાત ન્યૂઝ’ ચેનલના નામે લોકોને ડરાવી-ધમકાવી નાણાં પડાવતી આ ગેંગના અન્ય સભ્યોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

​શું હતો સમગ્ર મામલો?

​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ “તમે દેશી દારૂનો ધંધો કરો છો” તેમ કહી તેમનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ આ વીડિયો ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવાની અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. બદનામીના ડરે ફરિયાદી પાસેથી આરોપીઓએ બળજબરીપૂર્વક ₹૧,૦૫,૦૦૦/- ખંડણી પેટે કઢાવી લીધા હતા.

​પોલીસની ત્વરિત કાર્યવાહી

​આ ઘટના અંગેની ફરિયાદ મળતા જ ગાંધીનગર રેન્જ આઈ.જી. શ્રી નિરેન્દ્ર યાદવ અને એસ.પી. શ્રી રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

​પકડાયેલ આરોપી: અંકિત મહેશકુમાર વ્યાસ (રહે. નિકોલ, અમદાવાદ; મૂળ રહે. પાટણ).

​વોન્ટેડ આરોપીઓ: સંજય પાંડે, મીતાશુ દરજી તથા અન્ય બે અજાણ્યા પત્રકારો.

​આરોપીનો ગુનાહિત ઇતિહાસ

​ધરપકડ કરાયેલ આરોપી અંકિત વ્યાસ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ અમદાવાદના આનંદનગર, સેટેલાઈટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને ખંડણીના કુલ ૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

​કાયદેસરની કાર્યવાહી

​સાંતેજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૬), ૩૦૮(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. સરવૈયા ચલાવી રહ્યા છે.

Related Posts