અમદાવાદ: શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે નારોલ (Naarol) પોલીસ સ્ટેશનની એન.ડી.પી.એસ. (NDPS) ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી
નારોલ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ રાજેન્દ્રસિંહ (બ.નં. 7029) ને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રવત ના સીધા માર્ગદર્શન હેઠળ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ
પોલીસે આરોપી પાસેથી ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે ₹૧,૨૦,૦૦૦/- થાય છે.
આરોપીનું નામ: સબ્બીરહુસેન ઉર્ફે ઝાકિરહુસેન કાસમહુસેન મોમીન (ઉંમર ૫૦ વર્ષ)
રહેઠાણ: ગુલમોહર સોસાયટી, વટવા, અમદાવાદ.
ગુનાહિત ઈતિહાસ: આરોપી અગાઉ કરંજ પોલીસ સ્ટેશનમાં મર્ડર અને લઠ્ઠાકાંડ જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.
પોલીસ કાર્યવાહી
નારોલ પોલીસે આ મામલે NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(B)(2)(B) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. જે.બી. અગ્રવત, પી.એસ.આઈ. આર.ડી. સાંબડ અને ટીમ જોડાયા હતા.