અમદાવાદમાં ‘માનવ આકૃતિ (રંગોળી)’થી રચાયો વર્લ્ડ રેકોર્ડ: 6,424 વિદ્યાર્થીઓએ સપ્તરંગોથી આપી દેશભક્તિની અનોખી પ્રસ્તુતિ

by Bansari Bhavsar

​અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘માનવ આકૃતિ (રંગોળી)’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પ્રતિનિધિઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

​એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન

​આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત Asia Book of Records દ્વારા “Largest Human Formation Depicting a Contemporary Mandala Art” તરીકે વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે.

​સહભાગીઓ: કુલ 6,424 વિદ્યાર્થીઓ અને યુવાનોએ એકસાથે જોડાઈને આ રેકોર્ડ સર્જ્યો.

​થીમ: સપ્તધારાની થીમ પર આધારિત સમકાલીન (Contemporary) મંડલા આર્ટનું જીવંત નિર્માણ.

​કેન્દ્રબિંદુ: રંગોળીના મધ્યમાં “ભારત” શબ્દને રંગબેરંગી ભૌમિતિક આકારો વચ્ચે આકર્ષક રીતે કંડારવામાં આવ્યો હતો.

​સપ્તરંગો અને ભક્તિમય વાતાવરણ

​અમદાવાદની વિવિધ શાળા-કોલેજના સાડા છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓરેન્જ, યેલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લ્યૂ અને વ્હાઇટ જેવા સાત રંગોના વસ્ત્રો અને સાધનો સાથે જોડાણ કરીને વિશાળ માનવ રંગોળી રચી હતી. સમગ્ર ગ્રાઉન્ડ રાષ્ટ્રભાવનાના રંગોમાં રંગાઈ ગયું હતું. આ દરમિયાન મા અંબાના ગરબાની સુરાવલીઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી તરબોળ બન્યું હતું.

​સામાજિક જાગૃતિનો સંદેશ

​માનવ રંગોળી ઉપરાંત વિદ્યાર્થીઓએ સર્જનાત્મક રંગોળીઓ મારફતે AMCના વિવિધ જનહિતકારી અભિયાનો અંગે જાગૃતિ ફેલાવી હતી:

​પર્યાવરણ સંરક્ષણ: RRR (Reduce, Reuse, Recycle) વિષય પર સંદેશ.

​શહેરની સ્વચ્છતા: સુએજ, સ્ટોર્મ વોટર લાઈન અને સ્વચ્છતા સંબંધિત જાગૃતિ.

​મહાનુભાવોની ઉપસ્થિતિ

​આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા અને હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો અમિતભાઈ ઠાકર, દિનેશસિંહ કુશવાહ, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, કંચનબેન રાદડિયા, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, કુલપતિઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related Posts