અમદાવાદ:
અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ઉકેલ લાવવામાં LCB ઝોન-૮ની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં સિકલીગર ગેંગના એક રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલભેગો કર્યો છે.
શું હતો સમગ્ર બનાવ?
ગત તા. ૧૭/૦૯/૨૦૨૬ના રોજ રાત્રીના સમયે ઓઢવ વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી અજાણ્યા ઇસમે પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રૂ. ૨૫,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૫,૪૦,૦૦૦/- ની મત્તા ચોરી કરી હતી. આ સંદર્ભે ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ તપાસ અને આરોપીની અટકાયત
ઘરફોડ ચોરીનો ઉકેલ લાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી, અધિક પોલીસ કમિશનરશ્રી (સેક્ટર-૨) તથા નાયબ પોલીસ કમિશનરશ્રી (ઝોન-૮) ના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૮ ના PSI પી.આર. સરવૈયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ લંબાવવામાં આવી હતી. દરમીયાન પો.કો. ગૌરાંગભાઇ કાનજીભાઇને મળેલ ચોક્કસ બાતમીના આધારે વટવા GIDC ખાતેથી સિકલીગર ગેંગના આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
ઝડપાયેલ આરોપી: લખનસિંગ કતારસિંગ બાવરી (શીખ) (ઉ.વ. ૩૧, રહે. ગુરૂનાનક નગર, રેલ્વે સ્ટેશન પાસે, મહેમદાવાદ, જી. ખેડા)
કુલ રૂ. ૪,૦૨,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર
પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
સોનાની ચેઇન (વજન ૬.૨૩૦ ગ્રામ) – કિંમત રૂ. ૮૯,૦૦૦/-
સોનાનું મંગળસુત્ર તથા પેંડલ (કુલ વજન ૧૯.૨૦૫ ગ્રામ) – કિંમત રૂ. ૨,૪૩,૦૦૦/-
રોકડ રકમ – રૂ. ૨૦,૦૦૦/-
હોન્ડા શાઇન મોટરસાઇકલ (GJ 07 FA 1738) – કિંમત રૂ. ૫૦,૦૦૦/-
ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સિકલીગર ગેંગના સાગરીતો દિવસ દરમિયાન વિવિધ વસ્તુઓ વેચવાના બહાને સોસાયટીઓમાં ફરી રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી કિંમતી સામાનની ચોરી કરી રોકડમાં રૂપાંતરિત કરતા હતા.
અગાઉ ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલો છે આરોપી
ઝડપાયેલ આરોપી લખનસિંગ બાવરી સામે કરજણ, કઠલાલ, અડાજણ, મહુધા, આણંદ (રૂરલ અને ટાઉન) તેમજ અસલાલી પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડ ચોરીના ૧૧ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આ સફળ કામગીરી LCB ઝોન-૮ ના PSI પી.આર. સરવૈયા, ASI હિંરેન્દ્રસિંહ, HC ક્રિપાલસિંહ, PC ગૌરાંગભાઇ તથા PC પ્રહલાદભાઇ દ્વારા કરવામાં આવી છે.