અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પારિવારિક બોલાચાલી બાદ પત્ની પર પતિ દ્વારા લોહિયાળ હુમલો કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સાસુના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા અને શંકા-કુશંકાના મુદ્દે થયેલી તકરારમાં પતિએ પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડતા મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
બનાવની વિગત:
મળતી માહિતી મુજબ, વેજલપુરના જીવરાજ પાર્ક સ્થિત શૈલેષપાર્ક સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય સોનલબેન સોલંકીએ તેમના પતિ રાહુલભાઈ પૂંજાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઈકાલે તા. ૧૪/૧૦/૨૦૨૬ના રોજ બપોરે આશરે ૨:૩૦ વાગ્યાના સુમારે પતિ રાહુલભાઈ દુકાનેથી ઘરે આવ્યા હતા. દરમિયાન પતિએ સોનલબેનને પૂછ્યું હતું કે, “તું મમ્મીના ફોનમાંથી કોની સાથે વાત કરતી હતી?” જે અંગે સોનલબેને સાસુનો ફોન તેમની પાસે હોવાનું કહી કોઈ સાથે વાત ન કરી હોવાનું જણાવ્યું હતું.
આ બોલાચાલી દરમિયાન પતિ રાહુલે શંકા-કુશંકા રાખી સોનલબેન સાથે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી તથા મારપીટ શરૂ કરી દીધી હતી. તકરાર વધતાં રાહુલે હાથમાં રહેલો સાસુનો મોબાઇલ ફોન સોનલબેનના કપાળ તથા માથાના ભાગે જોરથી મારી દેતાં તેમને લોહીલુહાણ ઇજાઓ પહોંચી હતી.
સારવાર અને પોલીસ કાર્યવાહી:
ઇજાગ્રસ્ત સોનલબેનને તાત્કાલિક સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા.
બનાવ અંગે સોનલબેનની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે આરોપી પતિ રાહુલભાઈ પૂંજાભાઈ સોલંકી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨) અને ૨૯૬(b) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે.