અમદાવાદઃ નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સફળ, SHE ટીમ દ્વારા વિખુટા પડેલા ૭ બાળકોનું પુનઃમિલન કરાવાયું

by Bansari Bhavsar

અમદાવાદ:

અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહલૌત ના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક અને સ્થાનિક પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા નવરાત્રિ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત આયોજનપૂર્વકની કામગીરી કરવામાં આવી રહી છે.

નવરાત્રિના શરૂઆતના પ્રથમ ત્રણ દિવસો દરમિયાન શહેરમાં એકંદરે ટ્રાફિક સમસ્યા સીમિત રહી હતી. ગરબા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે એસ.જી. હાઇવે, રિંગ રોડ તથા શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર સામાન્ય ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સમગ્ર શહેર પર નજર રાખવા માટે અમદાવાદ શહેર કંટ્રોલરૂમ દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ૩૩૦૦ કેમેરા અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ૧૦૦૦ કેમેરા મળીને કૂલ ૪૩૦૦ કેમેરાથી સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ટ્રાફિક જામ અંગેના કૉલ્સમાં ઘટાડો અને ઝડપી રિસ્પોન્સ

પોલીસ કંટ્રોલરૂમ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રાફિક જામ અંગે પ્રથમ દિવસે ૩, બીજા દિવસે ૯ અને ત્રીજા દિવસે ૫ કૉલ્સ મળ્યા હતા. આ તમામ કૉલ્સ પર રિસ્પોન્સ ટાઇમ ૧૦ મિનિટથી પણ ઓછો રહ્યો હતો. ગત વર્ષે નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસમાં ૪૫ જેટલા કૉલ્સ મળ્યા હતા, જેની સરખામણીએ આ વર્ષે શરૂઆતના દિવસોમાં કૉલ્સની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી રહી છે. શહેર પોલીસ દ્વારા કરાયેલ ટ્રાફિક નિયમન, રોડ એન્જિનિયરિંગ અને નાગરિકોના સહકારથી આ સફળતા શક્ય બની છે.

મહિલાઓ અને નાગરિકોની સુરક્ષા માટે SHE ટીમ અને પેટ્રોલિંગ વાહનો સક્રિય

શહેર પોલીસ દ્વારા નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે વિશેષ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે:

* ૪૯ SHE ટીમ વાહનો

* ૧૨ અભયમ હેલ્પલાઇન વાહનો

* ૪૯ ગરબા સ્પેશિયલ વાહનો

* ૧૨૯ જનરક્ષક ડાયલ ૧૧૨ સહિતના પેટ્રોલિંગ વાહનો

નવરાત્રિ દરમિયાન મહિલાઓ તથા જરૂરિયાતમંદ નાગરિકો માટે આ વાહનો મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. શરૂઆતના ત્રણ દિવસમાં ઇન્ક્વાયરી માટે કૉલ કરનાર ૪ મહિલાઓને તેમની વિનંતી મુજબ સ્થળ પરથી પીકઅપ કરી તેમના ઘરે સલામત રીતે પહોંચાડવામાં આવી હતી.

SHE ટીમની કામગીરીના આંકડા (પ્રથમ ૩ દિવસ)

| અ.નં | તારીખ | મોટા ગરબા વિઝિટ | શેરી ગરબા વિઝિટ | ઉપયોગમાં લીધેલ બોડીવોર્ન કેમેરા | ગરબા સ્થળના CCTV કંટ્રોલરૂમ વિઝિટ |

|—|—|—|—|—|—|

| ૧ | ૧૧/૧૦/૨૦૨૬ | ૬૭ | ૩૪૧ | ૫૭ | ૫૪ |

| ૨ | ૧૨/૧૦/૨૦૨૬ | ૮૦ | ૩૫૭ | ૭૩ | ૫૪ |

| ૩ | ૧૩/૧૦/૨૦૨૬ | ૮૦ | ૩૨૬ | ૬૦ | ૬૦ |

મેળા અને ગરબામાં વિખુટા પડેલા ૫ બાળકો અને ૨ બાળકીઓનું પરિવાર સાથે પુનઃમિલન

નવરાત્રિ ગરબા દરમિયાન વિખુટા પડેલા બાળકોને તેમના વાલીવારસ સાથે મિલાવવામાં SHE ટીમે મહત્વની કામગીરી બજાવી છે:

* પ્રથમ દિવસ:

* વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી બે બાળકીઓને તેમના પિતા સાથે સુખદ મિલાપ કરાવવામાં આવ્યો.

* કાગડાપીઠ પોલીસ સ્ટેશન SHE ટીમ દ્વારા ટ્રાન્સસ્ટેડિયા એકા ક્લબ ખાતેથી એક બાળકને સહી-સલામત તેના પિતા સાથે મેળવવામાં આવ્યો.

* બીજો દિવસ:

* નરોડા SHE ટીમ દ્વારા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રસ્તો ભૂલી ગયેલ દીકરીને તેના ઘરે પરત મોકલી આપવામાં આવી.

* મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમની ટીમ દ્વારા ઇસનપુર ખાતે પાર્ટી પ્લોટમાં એકલી મળી આવેલ બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી.

* ત્રીજો દિવસ:

* વેજલપુર SHE ટીમ દ્વારા એકલા મળી આવેલ બાળકને તેના મામાના ઘરે પહોંચાડી મામાને સોંપવામાં આવ્યો.

* મહિલા સેલની ટીમ દ્વારા સોલા વિસ્તારમાં પાર્ટી પ્લોટ ખાતે પરિવારથી વિખુટા પડેલ બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું.

આમ, નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન SHE ટીમ દ્વારા વિખુટા પડેલા કે રસ્તો ભૂલી ગયેલા કૂલ ૫ બાળકો અને ૨ બાળકીઓનું તેમના પરિવાર સાથે સફળ પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.

 

Related Posts