અમદાવાદ:
શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં વોટ્સએપ પર APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરીને રૂ. ૫.૯૦ લાખથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં આવેલ પ્રથમ પેરેડાઇઝ (કણાટાવટી એપાર્ટમેન્ટ-૦૪ પાસે) ખાતે રહેતા ૩૫ વર્ષીય હરીશભાઈ ઘનશ્યામભાઈ ગુપ્તાએ તા. ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મે ૨૦૨૬ થી તા. ૦૭/૦૫/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર ૭૫૬૬૯૧૦૨૯૩ ના ધારકે હરીશભાઈના વોટ્સએપ પર ‘M.Parivahan.apk’ નામની એક ફાઈલ મોકલી હતી.
હરીશભાઈએ આ ફાઈલ ઓપન કરતા જ અજાણ્યા શખ્સે તેમનો ઈલેક્ટ્રોનિક ડેટા અને મોબાઈલ ફોન હેક કરી તેનો એકસેસ મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીએ મોબાઈલના તમામ કોલ પોતાના નંબર (૭૫૬૬૯૧૦૨૯૩) પર ફોરવર્ડ કરી દીધા હતા.
હેકરે હરીશભાઈના મોબાઈલમાં રહેલ ફ્લિપકાર્ટ (Flipkart) એપ્લિકેશન સાથે લિંક થયેલા ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી, ટ્રાન્ઝેક્શન માટે જરૂરી OTP પોતાના ફોન પર મેળવી લીધા હતા. આ રીતે ફ્લિપકાર્ટ મારફતે તબક્કાવાર કુલ રૂ. ૫,૯૦,૮૯ત્/- નો વ્યવહાર કરી લીધો હતો. આ નાણાંનો ઉપયોગ કરી ‘ફ્લિપકાર્ટ મિનિટ્સ’ (Flipkart Minutes) દ્વારા જુદા-જુદા મોંઘા મોબાઈલ ફોનની ખરીદી કરી ઠગાઈ આચરી હતી.
આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હાઈટેક સાયબર ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) શ્રી પી. એચ. મકવાણા ચલાવી રહ્યા છે.