​સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો: ૬ જુગારીઓ ઝડપાયા, રૂ. ૪.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

​સાણંદ / અમદાવાદ:

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તથા પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સની સૂચના અનુસાર જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર નાકેબંધી કરવા માટે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કવાયત દરમિયાન એલ.સી.બી.ની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાણંદ ખાતે દરોડો પાડીને જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

​મકાનમાં ચાલતો હતો જુગારનો અડ્ડો

​એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.બી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ દિલાવરસિંહ વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભરવાડને બાતમી મળી હતી કે સાણંદ સ્થિત રાધે ગોવિંદ ફ્લેટના મકાન નંબર ૨૦૩ (બીજું માળ) માં જયદીપસિંહ વિક્રમસિંહ સગર પોતાના રહેણાંક મકાનમાં પૈસાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે.

​બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી જુગાર રમતા અને રમાડતા કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી.

​ઝડપાયેલા આરોપીઓ:

​૧. જયદીપસિંહ વિક્રમસિંહ સગર (રહે. સી-૨૦૩, રાધે ગોવિંદ ફ્લેટ, સાણંદ)

૨. અલ્પેશભાઈ નટવરભાઈ વાળંદ (રહે. મકાન નં. ૯૨, રામેશ્વર સોસાયટી, સાણંદ)

૩. રણજીતભાઈ કનુભાઈ વાઘેલા (રહે. ચેખલા પીપળીયો વાસ, તા. સાણંદ)

૪. વિક્રમસિંહ પોપટભાઈ સગર (રહે. સી-૨૦૩, રાધે ગોવિંદ ફ્લેટ, સાણંદ)

૫. સાબીરભાઈ જીવણભાઈ સીપાઈ (રહે. વસોદ્રા ગામ, તા. સાણંદ)

૬. નવઘણભાઈ પોચાભાઈ રબારી (રહે. મોરૈયા, સાકેત એસ્ટેટ / મૂળ રહે. ભીલડી, તા. ડીસા, જી. બનાસકાંઠા)

​રૂ. ૪.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે

​પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૭૫,૯૦૦/- તથા વાહનો (સ્વિફ્ટ કાર અને એક્ટિવા સ્કોટી) સહિત કુલ રૂ. ૪,૫૫,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​કામગીરી કરનાર ટીમ:

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટીયા, પો.સ.ઇ. આર.બી. રાઠોડ, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ વાળા, હેડ કોન્સ્ટેબલ દિલાવરસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પઢેરીયા તથા કોન્સ્ટેબલ શૈલેષભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી હતી.

Related Posts