દારૂનો વેપલો ચલાવતો આરોપી રૂ. ૩.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

by Bansari Bhavsar

અમદાવાદ, રવિવાર: અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરની સૂચના મુજબ, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ દરોડા પાડવામાં આવ્યો હતો.

Click to watch video

​પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, ચાંદખેડામાં ઉમા ભવાની અંડરબ્રિજ પાસેની પ્રહલાદપાર્ક સોસાયટીના મકાન નંબર ૧૦માં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે પપ્પુ પઢીયારના ઘરે અને તેની મારૂતી સ્વીફ્ટ ડિઝાયર કાર (રજી. નં. GJ-01-DZ-2749) માંથી દારૂનો જથ્થો મળી આવ્યો.

​આ દરોડા દરમિયાન, પોલીસે ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ ૨૮૬ બોટલો જપ્ત કરી છે, જેની કિંમત રૂ. ૧,૭૪,૨૦૦/- અંદાજવામાં આવી છે. આ સિવાય, પોલીસે રૂ. ૧,૫૦,૦૦૦/- ની કિંમતની મારૂતી સ્વીફ્ટ ડિઝાયર કાર અને દારૂ વેચાણના રૂ. ૨,૫૮૦/- રોકડા પણ કબજે કર્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. ૩,૨૬,૭૮૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ પઢીયારને પકડી પાડ્યો છે.

​આરોપી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની કલમ ૬૬(૧)(બી), ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં, આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં ચિઠોડા, ડી.સી.બી. અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે.

​ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી. ડાભી અને તેમની ટીમે આ સફળતાપૂર્વક કેસ શોધી કાઢ્યો છે.

Related Posts