ગુજરાત પોલીસના વડા તરીકે ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવને વધારાનો હવાલો સોંપાયો

by Bansari Bhavsar

ગાંધીનગર:

​ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય (IPS) આજે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વયનિવૃત્ત થયા છે. તેમની નિવૃત્તિને પગલે રાજ્યના નવા પોલીસ વડા તરીકેની જવાબદારી સોંપવા માટે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

​કોને સોંપાઈ જવાબદારી?

રાજ્ય સરકારના ગૃહ વિભાગની અધિસૂચના અનુસાર, ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ (IPS) ને ગુજરાતના કાર્યકારી DGP તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ડૉ. રાવ ૧૯૯૨ની બેચના આઈ.પી.એસ. અધિકારી છે.

​હાલ કયા પદ પર કાર્યરત છે?

ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ હાલમાં ગાંધીનગર ખાતે પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) તરીકે ફરજ બજાવી રહ્યા છે. હવે તેઓ પોતાની હાલની ફરજોની સાથે સાથે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી તરીકેનો કાર્યભાર પણ સંભાળશે.

​સરકારનો આદેશ

ગૃહ વિભાગના ઉપસચિવ અમિત રાવલની સહીથી બહાર પડાયેલા આ હુકમ મુજબ, અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી ડૉ. રાવ આ વધારાનો હવાલો સંભાળશે. આ નિમણૂકની નકલ રાજ્યપાલશ્રીના સચિવ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને જાણ અર્થે મોકલી આપવામાં આવી છે.

Related Posts