અમદાવાદ: વૃદ્ધોને નિશાન બનાવી ‘કાળું લોહી’ કાઢવાના બહાને લાખો રૂપિયા પડાવતી નકલી ડોક્ટરોની ગેંગ ઝડપાઇ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં વૃદ્ધો અને અસહાય વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક શાતિર ગેંગના આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ ગેંગ ફિઝિયોથેરાપીના ડોક્ટર હોવાની ખોટી ઓળખ આપી વૃદ્ધોના ઘરે જઈ સારવારના બહાને મોટી રકમ લૂંટી લેતી હતી.

​કેવી રીતે ફૂટ્યો ભાંડો?

​બેંક ઓફ બરોડાની ડ્રાઇવ-ઈન રોડ શાખાના મેનેજરને શંકા ગઈ કે એક સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી સતત તેમની FD (ફિક્સ્ડ ડિપોઝિટ) માંથી મોટી રકમ ઉપાડી રહ્યા છે. બેંકને શંકા હતી કે આ વૃદ્ધ ‘ડિજિટલ અરેસ્ટ’ અથવા કોઈ ફ્રોડનો ભોગ બન્યા છે. આ અંગે સાયબર ક્રાઇમને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ઠાકોર અને તેમની ટીમ તાત્કાલિક બેંક પહોંચી હતી.

​CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે એક અજાણ્યો શખ્સ આ વૃદ્ધની રેકી (નજર રાખવી) કરી રહ્યો હતો. પોલીસે તુરંત જ તે શખ્સને પકડી પાડ્યો હતો.

​ઠગાઈની આઘાતજનક પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી)

​પકડાયેલા આરોપી મોહમ્મદ અમજદની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે:

​ટાર્ગેટની શોધ: આ ગેંગના સભ્યો હોસ્પિટલ, બજાર કે સત્સંગ જેવી જગ્યાઓ પર એવા વૃદ્ધોને શોધતા જેઓ એકલા રહેતા હોય અને ચાલવામાં તકલીફ હોય.

​વિશ્વાસ જીતવો: ગેંગનો એક સભ્ય ‘નિતિન અગ્રવાલ’ (એન્જિનિયર) તરીકે ઓળખ આપી વૃદ્ધને કહેતો કે મારી માતાને પણ આવી જ તકલીફ હતી, જે ડો. દીવાનની સારવારથી મટી ગઈ છે.

​નકલી સારવાર: જ્યારે વૃદ્ધ ડોક્ટરને બોલાવવા તૈયાર થાય, ત્યારે ‘ડો. દીવાન’ અને તેનો આસિસ્ટન્ટ ‘ધનરાજ પાટીલ’ ઘરે પહોંચતા. તેઓ વૃદ્ધના શરીરમાં સોય મારીને ‘કાળું લોહી’ કાઢવાનું નાટક કરતા અને એક ટીપાના 7000 રૂપિયા વસૂલતા હતા.

​લાખોની રકમ રિકવર

​આરોપીઓએ આ વૃદ્ધ પાસેથી પહેલા 4,00,000 રૂપિયા પડાવ્યા હતા અને બીજા દિવસે વધુ 2,70,000 રૂપિયા ઉપડાવવા માટે બેંક મોકલ્યા હતા. જોકે, પોલીસની સમયસૂચકતાને કારણે આ રકમ બચી ગઈ છે અને પોલીસે કુલ રકમ રિકવર કરી છે.

​ઝડપાયેલ અને ફરાર આરોપીઓ

​ઝડપાયેલ આરોપી: મોહમ્મદ અમજદ (રહે. હિંમતનગર, મૂળ રાજસ્થાન).

​ફરાર આરોપીઓ: મોહમ્મદ આર્યન (નિતિન અગ્રવાલ), મોહમ્મદ શેરુ (ડો. દીવાન) અને મોહમ્મદ સમીર (ધનરાજ પાટીલ). આ ત્રણેય આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે.

​પોલીસની અપીલ: કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી ઘરે સારવાર કરાવવી નહીં અને બેંકમાંથી અચાનક મોટી રકમ ઉપાડતા પહેલા પરિવાર કે પોલીસની સલાહ લેવી.

Related Posts