ઓઢવમાં અકસ્માતનું બહાનું કાઢી લૂંટ: એક્ટિવા રોકી બે શખ્સો 4 લાખની રોકડ ભરેલી બેગ લૂંટી ગયા

ઓઢવમાં ‘તમે મારી ગાડી ભટકાડી છે’ તેમ કહી યુવક સાથે મારામારી કરી 4 લાખની લૂંટ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં રહેતા એક યુવકને રસ્તામાં રોકી, અકસ્માતનો ખોટો આરોપ લગાવી બે અજાણ્યા શખ્સો રૂ. 4 લાખથી વધુની રોકડ ભરેલી બેગ લૂંટીને નાસી છૂટ્યા છે.

​શું હતી સમગ્ર ઘટના?

​નિકોલના અભિલાષા સ્ક્વેરમાં રહેતા 32 વર્ષીય સંદીપભાઈ ખેંગારામ દેવડા ગત તારીખ 06/02/2026ના રોજ સાંજે 6:15 વાગ્યાના સુમારે પોતાનું એક્ટિવા લઈને ઓઢવ કિંગ સ્ટોન બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

​તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા પુરુષોએ તેમને અધવચ્ચે રોક્યા હતા. લૂંટારુઓએ ‘તેં મારી ગાડીને કેમ અકસ્માત કર્યો?’ તેમ કહી સંદીપભાઈ સાથે ખોટી રીતે બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો.

​ઝપાઝપી કરી લાખોની લૂંટ

​તકરાર વધારીને બંને શખ્સોએ સંદીપભાઈ સાથે મારામારી કરી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક એક્ટિવાની ડીકી ખોલાવી તેમાંથી એક બેગ ખેંચી લીધી હતી. આ બેગમાં રૂપિયા 4,00,400/- ની રોકડ રકમ હતી. લૂંટારુઓ પળવારમાં બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા.

​મુખ્ય વિગતો:

​ભોગ બનનાર: સંદીપભાઈ દેવડા (રહે. નિકોલ)

​લૂંટની રકમ: ₹ 4,00,400 (રોકડ)

​ઘટના સ્થળ: કિંગ સ્ટોન બિલ્ડિંગ સામે, ઓઢવ

​મોડસ ઓપરેન્ડી: અકસ્માતનો ખોટો બહાનો કાઢી લૂંટ ચલાવી

​આ મામલે સંદીપભાઈએ તારીખ 18/02/2026ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ગુના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ શરૂ કરી છે.

 

તસવીર પ્રતીકાત્મક છે

Related Posts