અમદાવાદ: ખાડિયા પોલીસની પ્રામાણિકતા અને ત્વરિત કામગીરી, રિક્ષામાં છૂટી ગયેલા ₹1.50 લાખ રોકડા અને મેડિકલ ફાઈલ મૂળ માલિકને પરત અપાવી

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરના ખાડિયા વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ ફરી એકવાર ખાખીનું માન વધાર્યું છે. અમરેલીના જાફરાબાદથી સારવાર માટે આવેલા એક પરિવારની રિક્ષામાં ભુલાઈ ગયેલી ₹1.50 લાખની રોકડ રકમ અને હોસ્પિટલની મહત્વની ફાઈલો ભરેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપી માનવતા અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​ઘટનાની વિગત

​મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદનો એક પરિવાર અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યો હતો. હોસ્પિટલનું કામ પતાવી આ પરિવાર પરત ગીતામંદિર બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં નીકળ્યો હતો. રસ્તામાં ‘ભૂતની આંબલી’ પાસે રિક્ષામાંથી ઉતરતી વખતે ઉતાવળમાં તેઓ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. આ બેગમાં હોસ્પિટલની જરૂરી ફાઈલો તેમજ સારવાર માટે રાખેલા ₹1,50,000 (એક લાખ પચાસ હજાર) રોકડા હતા.

​પોલીસની ત્વરિત કાર્યવાહી

​પોતાની જીવનમૂડી અને જરૂરી દસ્તાવેજો ગુમાવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આ બાબતે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા, પોલીસ એક્શન મોડમાં આવી હતી.

​ASI મહેન્દ્રભાઈ દાજીરાવ (બકલ નંબર 7804) અને

​પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ આ બંને અધિકારીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. રિક્ષાનો કોઈ નંબર યાદ ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોના આશરે 15 જેટલા સીસીટીવી (CCTV) ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા.

​પરિવારના ચહેરા પર સ્મિત પાછું આવ્યું

​સીસીટીવીના આધારે રિક્ષાનો નંબર ટ્રેસ કરવામાં આવ્યો અને પોલીસે તુરંત રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો હતો. રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવી, બેગની ખરાઈ કર્યા બાદ તમામ રોકડ રકમ અને ફાઈલો મૂળ માલિકને હેમખેમ પરત કરવામાં આવી હતી.

​પોતાની મહેનતની કમાણી અને સારવારના પૈસા પરત મળતા પરિવાર ગદગદિત થઈ ગયો હતો અને ખાડિયા પોલીસના ASI મહેન્દ્રભાઈ તથા કોન્સ્ટેબલ જયપાલસિંહની નિષ્ઠાપૂર્વકની કામગીરીનો આભાર માન્યો હતો.

​પોલીસ સંદેશ: આ ઘટના સાબિત કરે છે કે જો નાગરિકો જાગૃત રહીને તુરંત પોલીસનો સંપર્ક કરે, તો આધુનિક ટેકનોલોજી અને પોલીસની મહેનતથી ગુમાવેલી વસ્તુઓ પરત મેળવવી શક્ય છે.

Related Posts