અમદાવાદ: વેજલપુરના રહેણાંક મકાનમાં દરોડો, ૬.૧૦ લાખના ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર ચલાવતા એક ઈસમને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

​શું હતી ઘટના?

​મળતી માહિતી મુજબ, વેજલપુરના કેતકી સોસાયટી વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં (શાંતિનિકેતન સ્કૂલની પાછળ) ગેરકાયદેસર રીતે ગાંજાનો સંગ્રહ અને વેચાણ થતું હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી ૧૨.૧૦૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

​જપ્ત કરાયેલ મુદ્દામાલ

​પોલીસે સ્થળ પરથી ગાંજા ઉપરાંત અન્ય સાધનો પણ જપ્ત કર્યા છે:

​ગાંજો: ૧૨.૧૦૦ કિલો (અંદાજિત કિંમત રૂ. ૬,૦૫,૦૦૦/-)

​મોબાઇલ ફોન: ૦૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)

​વજન કાંટો: ૦૧ નંગ (કિંમત રૂ. ૫૦૦/-)

​કુલ મુદ્દામાલ: રૂ. ૬,૧૦,૫૦૦/-

​આરોપીની વિગત અને ગુનાહિત ઇતિહાસ

​પકડાયેલ આરોપીનું નામ મોહંમદયુસુફ બાલુખાન રાજન (ઉં.વ. ૪૨) છે, જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના આકલ ગામનો વતની છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ નારણપુરા, વેજલપુર અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે.

​કાયદેસરની કાર્યવાહી

​ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts