અમદાવાદ: “તમારાથી અકસ્માત થયો છે” કહી વૃદ્ધને ધમકાવી ₹1.70 લાખ પડાવનાર ગેંગને વાડજ પોલીસે ઝડપી પાડી

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ડરાવી-ધમકાવી પૈસા પડાવતી ટોળકીનો વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતનું ખોટું બહાનું ધરી વૃદ્ધ પાસેથી રૂ. 1 લાખ રોકડા અને રૂ. 70 હજારનો ચેક પડાવનાર ત્રણ શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

​શું હતી સમગ્ર ઘટના?

​મળતી માહિતી મુજબ, ફરિયાદી સિનિયર સિટીઝન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કાર ઉભી રખાવી હતી. આરોપીઓએ વૃદ્ધને ડરાવતા કહ્યું હતું કે, “તમારાથી અકસ્માત થયો છે”. આ કહી ગભરાયેલા વૃદ્ધને શખ્સોએ ધમકાવવાનું શરૂ કર્યું અને તેમને બળજબરીથી બેંકમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ વૃદ્ધ પાસે રૂ. 1,00,000/- રોકડા કઢાવ્યા હતા અને વધારાના રૂ. 70,000/- નો ચેક લખાવી લીધો હતો.

​પોલીસની સતર્કતા અને કાર્યવાહી

​આ અંગેની ફરિયાદ મળતા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઝોન-1 ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાડજ પોલીસ એક્શનમાં આવી હતી. વાડજ પી.આઈ. વી.આર. ડાંગરની સૂચનાથી પી.એસ.આઈ. ડી.જે. દેસાઈ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

​દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર બળદેવભાઈ અને બળવંતભાઈ રમેશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને મુખ્ય આરોપી જય જસવંતભાઈ રાવળ (રહે. ગોમતીપુર) અને તેના સાથીદારો મહેશ ઉર્ફે હનુમાન ઠાકોર તથા આકાશ ઠાકોર (બંને રહે. સારંગપુર) ને ઝડપી પાડ્યા હતા.

​ઝડપાયેલો મુદ્દામાલ:

​રોકડ રકમ: રૂ. 1,00,000/-

​બેંક ચેક: રૂ. 70,000/- (બેંક ઓફ ઈન્ડિયા)

​સરાહનીય કામગીરી

​વાડજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.જે. દેસાઈ, રાયટર કેતનભાઈ હરેશભાઈ અને સર્વેલન્સ ટીમે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રિકવર કરતા ઉચ્ચ અધિકારીઓએ પોલીસ ટીમની કામગીરીને બિરદાવી છે. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(2) અને 61(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts