અમદાવાદ:
શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે ₹83.29 લાખની કિંમતનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.
ખાનગી બાતમી અને પ્રોફાઈલિંગના આધારે કાર્યવાહી
કસ્ટમ્સ વિભાગને અગાઉથી મળેલી ચોક્કસ બાતમી અને ‘APIS પ્રોફાઈલિંગ’ (Advanced Passenger Information System) ના આધારે 30 માર્ચના રોજ ફ્લાઈટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી એક મહિલા પર વોચ રાખવામાં આવી હતી.
ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે ઝડપાઈ
જ્યારે આ મહિલા ટર્મિનલ-2 પર ઉતરીને ચાલાકીપૂર્વક ગ્રીન ચેનલ (જ્યાં કોઈ સામાન ડિકલેર કરવાનો હોતો નથી) માંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ અધિકારીઓએ તેને અટકાવી હતી. શરૂઆતી પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
શરીરના ગુપ્ત ભાગમાં છુપાવ્યું હતું સોનું
તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલાએ તપાસથી બચવા માટે સોનાને લિક્વિડ કેમિકલ સાથે મિશ્ર કરી ‘ગોલ્ડ પેસ્ટ’ તૈયાર કરી હતી. આ પેસ્ટને કાળી ટેપથી વીંટાળેલા બે લંબગોળ કેપ્સ્યુલ્સમાં ભરીને પોતાના શરીરના ગુપ્ત ભાગમાં છુપાવી હતી.
સોનાની વિગતો:
કુલ મિશ્રણનું વજન: 643.28 ગ્રામ (પેસ્ટ સ્વરૂપે)
શુદ્ધિકરણ બાદ સોનું: 553.07 ગ્રામ
શુદ્ધતા: 24 કેરેટ (999.0 શુદ્ધતા)
અંદાજિત કિંમત: ₹83.29 લાખ
નિષ્ણાતોની હાજરીમાં આ પેસ્ટનું શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી શુદ્ધ સોનાનો બિસ્કિટ મેળવવામાં આવ્યો છે. હાલ કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલાની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આમાં અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ.