અમદાવાદ, રવિવાર: અમદાવાદ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાની સૂચના હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ઉદયપુરથી આઈ-10 (i10) કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવી અમદાવાદમાં સપ્લાય કરવાના પેંતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે કુલ ₹4,47,936/- ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી
સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડા અને પો.સ.ઈ. એ.આર. બોળીયાની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, એક સફેદ રંગની આઈ-10 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક શખ્સ સરખેજ-બોપલથી મમતપુરા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે એસ.પી. રિંગ રોડ પર બાઇકસ ગાર્ડન સામે સર્વિસ રોડ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી હતી.
કારની તલાશી લેતા મળી આવી 456 બોટલો
પોલીસે જ્યારે સફેદ રંગની આઈ-10 કારની તપાસ કરી, તો તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ 456 નંગ નાની-મોટી બોટલો અને ટીન મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ધરપકડથી બચવા માટે કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી.
પકડાયેલ આરોપી અને મુદ્દામાલની વિગત
ઝડપાયેલ આરોપીની ઓળખ શાંતિલાલ હેમચંરજી ચૌધરી (ઉં.વ. 35, ધંધો- ડ્રાઇવિંગ) તરીકે થઈ છે, જે હાલ ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના સલુમ્બર જિલ્લાનો વતની છે.
પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ:
* વિદેશી દારૂ/બીયરની બોટલ (456 નંગ): કિંમત ₹1,95,936/-
* સફેદ i10 કાર: કિંમત ₹2,50,000/-
* મોબાઇલ ફોન: કિંમત ₹2,000/-
* કુલ મુદ્દામાલ: ₹4,47,936/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી શાંતિલાલ અગાઉ પણ સોલા પોલીસ સ્ટેશનમાં 2018માં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. સરખેજ પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં સરખેજ પી.આઈ. એલ.એલ. ચાવડા, પો.સ.ઈ. એ.આર. બોળીયા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ રવિન્દ્રસિંહ, કનકસિંહ, મયુરસિંહ, મિતેશભાઈ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે.