અમદાવાદ:
શહેરમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત-નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના પગલે LCB ઝોન-5ની ટીમે મોટી સફળતા મેળવી છે. અમરાઈવાડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ₹5.50 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે ઓપરેશન
LCB ઝોન-5 ના PSI કે.કે. જાડેજા અને હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર વિહાભાઇને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે અમરાઈવાડી વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી અભિષેક હિતેશભાઈ રાઠોડ (ઉં.વ. ૨૩) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલની વિગત
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
વિદેશી દારૂ (શીલબંધ ક્વાર્ટર): ૨૦૦૨ નંગ (કિંમત ₹૫,૨૩,૦૩૨/-)
બિયર (શીલબંધ ટીન): ૯૬ નંગ (કિંમત ₹૨૩,૦૪૦/-)
અન્ય ચીજવસ્તુઓ: (મોબાઈલ/સાધન વગેરે)
કુલ મુદ્દામાલ: ₹૫,૫૦,૦૭૨/-
પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી
આ સફળ કામગીરીમાં PSI કે.કે. જાડેજા, હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર, પી.સી. ઘનશ્યામભાઈ, ગીરીરાજસિંહ, રાજેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, કાનાભાઈ અને રાજેશભાઈ જોડાયા હતા.
પકડાયેલ આરોપી અમરાઈવાડીના સત્યમનગર શાક માર્કેટ પાસે આવેલા શિવાનંદનગરનો રહેવાસી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.