સાણંદ: પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી ક્રૂર હત્યા, ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં

સાણંદના ગણાસર ગામમાં લોહીયાળ ખેલ

by Bansari Bhavsar

સાણંદ:

અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના ગણાસર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિની નિર્મમ હત્યા કરી નાખી હતી. જોકે, સાણંદ પોલીસની સતર્કતાને કારણે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો છે અને બંને આરોપીઓ અત્યારે પોલીસના સકંજામાં છે.

​ઘટનાની વિગત

​ગણાસર ગામના ઇન્દિરા આવાસમાં રહેતા ૩૦ વર્ષીય સંજય અજમલજી ઠાકોર નામનો યુવાન ગત ૧૦ એપ્રિલના રોજ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત મોત જેવું લાગતું હતું, પરંતુ સાણંદ પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

​પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

​જ્યારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે સત્ય બહાર આવ્યું હતું. ડોકટરોના જણાવ્યા મુજબ, સંજયનું મોત કુદરતી રીતે નહીં પણ ગળું દબાવવાને કારણે (ગુંગળામણથી) થયું હતું. આ રિપોર્ટ આવતા જ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી.

Click here to watch video

​પત્ની અને પ્રેમીની શંકાસ્પદ હિલચાલ

​તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંજયના મોત બાદ તેની પત્ની પાયલ અને ગામનો જ એક યુવાન રાહુલ ઠાકોર બંને ગુમ હતા. પરિવારજનોની શંકા અને ટેકનિકલ તપાસને આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બંનેને ઝડપી પાડ્યા હતા.

​હત્યા પાછળનું કારણ

​પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે:

​ઘટનાની રાત્રે પાયલ અને તેના પતિ સંજય વચ્ચે ઝઘડો થયો હતો.

​ઝઘડા બાદ પાયલે તેના પ્રેમી રાહુલને ઘરે બોલાવ્યો હતો.

​બંનેએ મળીને સંજયને પથારીમાં જ દબાવી દીધો. રાહુલે હાથ પકડી રાખ્યા અને પાયલે ટુવાલ તથા ઓશીકા વડે ગળું દબાવી પતિની હત્યા કરી નાખી.

​હત્યા કર્યા બાદ તેઓ ઘરને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયા હતા.

​પોલીસની કામગીરી

​અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલની ટીમ દ્વારા આ કેસમાં ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધીને પાયલ ઠાકોર અને રાહુલ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે.

Related Posts