સાંતેજ, ગાંધીનગર:
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેસ રિપોર્ટરની ઓળખ આપી ગેરકાયદેસર રીતે ખંડણી ઉઘરાવતી ટોળકીના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. ‘જાગૃત ગુજરાત ન્યૂઝ’ ચેનલના નામે લોકોને ડરાવી-ધમકાવી નાણાં પડાવતી આ ગેંગના અન્ય સભ્યોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ “તમે દેશી દારૂનો ધંધો કરો છો” તેમ કહી તેમનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ આ વીડિયો ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવાની અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. બદનામીના ડરે ફરિયાદી પાસેથી આરોપીઓએ બળજબરીપૂર્વક ₹૧,૦૫,૦૦૦/- ખંડણી પેટે કઢાવી લીધા હતા.
પોલીસની ત્વરિત કાર્યવાહી
આ ઘટના અંગેની ફરિયાદ મળતા જ ગાંધીનગર રેન્જ આઈ.જી. શ્રી નિરેન્દ્ર યાદવ અને એસ.પી. શ્રી રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
પકડાયેલ આરોપી: અંકિત મહેશકુમાર વ્યાસ (રહે. નિકોલ, અમદાવાદ; મૂળ રહે. પાટણ).
વોન્ટેડ આરોપીઓ: સંજય પાંડે, મીતાશુ દરજી તથા અન્ય બે અજાણ્યા પત્રકારો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ધરપકડ કરાયેલ આરોપી અંકિત વ્યાસ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ અમદાવાદના આનંદનગર, સેટેલાઈટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરી અને ખંડણીના કુલ ૪ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
કાયદેસરની કાર્યવાહી
સાંતેજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૬), ૩૦૮(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. સરવૈયા ચલાવી રહ્યા છે.