ધોળકા ટાઉન પોલીસને મળી મોટી સફળતા: મેલડી માતાના મંદિરના ચાંદીના છત્ર અને પાદુકા રિકવર.

ધાર્મિક સ્થાનોને નિશાન બનાવતી ટોળકીનો પર્દાફાશ

by Bansari Bhavsar

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં વધતી જતી મિલકત સંબંધી ગુનાખોરી ડામવા માટે પોલીસ સક્રિય બની છે. ધોળકા ટાઉન પોલીસે નેસડા ગામના મેલડી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે એક આરોપીને મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલ રિક્ષા સાથે ઝડપી પાડી કુલ બે ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે.

​શું હતી સમગ્ર ઘટના?

​તા. ૨૨/૦૪/૨૦૨૬ના રોજ બપોરના સમયે ધોળકા-વટામણ રોડ પર આવેલા નેસડા ગામના મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્ર અને ચરણ પાદુકાની ચોરી થઈ હતી. આ અંગે ધોળકા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. દરમિયાન, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ અને કોન્સ્ટેબલ પ્રદીપસિંહ તથા કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ રિક્ષા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

​ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ

​પોલીસે ભાતગામના આનંદ ઉર્ફે મોરલો દિનેશભાઈ પરમાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:

​ચાંદીના ૯ નંગ નાના-મોટા છત્ર અને ૧ જોડી ચરણ પાદુકા (અંદાજે ૨૦૦ ગ્રામ)

​ચોરીમાં વપરાયેલ CNG રિક્ષા (GJ-38-WA-6691)

​એક વિવો કંપનીનો મોબાઈલ ફોન

​કુલ કિંમત: ₹૨,૨૬,૦૦૦/-

​અસલાલીના ફાર્મહાઉસની ચોરીની કબૂલાત

​આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાતગામના એક ફાર્મહાઉસમાં પણ ચોરી કરી હતી. આ ઉપરાંત, આ ટોળકીએ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં અમદાવાદ શહેરના સરખેજ, બોટાદના ચરણકી, કોઠ, બારેજા અને રીડપુર સહિતના અનેક મંદિરોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

Related Posts