આણંદ: ખંભોલોડમાં ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારધામ પર SMC દરોડો, ૮ ઝડપાયા, ૧૨ વૉન્ટેડ

by Bansari Bhavsar

​બોરસદ / આણંદ:

રાજ્યમાં બિનઅધિકૃત પ્રવૃત્તિઓ સામેની ઝુંબેશ અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે આણંદ જિલ્લાના ભાદરણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બોરસદ તાલુકાના ખંભોલોડ ગામે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે.

​મળેલી બાતમીના આધારે SMC ના પો.ઈન્સ. એમ.ડી.ચંપાવત અને તેમની ટીમે ગલાભાઈ સોમાભાઈ પરમારના ખુલ્લા ખેતરમાં રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન સ્થળ પરથી રોકડા ₹૪૫,૪૦૦/- તથા જુગારના સાહિત્ય અને વાહનો-મોબાઈલ સહિત કુલ ₹૩,૦૧,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

​પોલીસે સ્થળ પરથી ૮ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વડોદરા અને આણંદ જિલ્લાના ઈસમોનો સમાવેશ થાય છે. જ્યારે જુગારનો અડ્ડો ચલાવનાર મુખ્ય આરોપી કનુભાઈ ઉર્ફે કલો ફતેસિંહ પરમાર અને જગ્યા ભાડે આપનાર ગલાભાઈ પરમાર સહિત અન્ય ૧૨ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

​આ મામલે ભાદરણ પોલીસ સ્ટેશનમાં કુલ ૨૧ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૧૧૨(૨) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Posts