અમદાવાદમાં કીર્તિદાન ગઢવીની ‘પરંપરા’ નવરાત્રિ હવે ખુલ્લા મેદાનમાં યોજાશે: ડોમ ધરાશાયી થયા બાદ મોટો નિર્ણય

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદમાં આગામી નવરાત્રિ મહોત્સવને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં આયોજિત થનારી જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીની ‘પરંપરા’ નવરાત્રિનો એસી (AC) ડોમ ગત 9 ઓક્ટોબરની સાંજે અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોકે, આ દુર્ઘટના બાદ પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો ન થાય તે માટે આયોજકો દ્વારા ગરબા રદ કરવાને બદલે હવે તેને ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

​ખુલ્લા આકાશ નીચે ગુંજશે ગરબાના તાલ

​કીર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો રીલ શેર કરીને સત્તાવાર જાહેરાત કરી છે કે હવે ગરબા સંપૂર્ણપણે ખુલ્લા મેદાનમાં યોજાશે. તેમણે જણાવ્યું હતું કે, “ગઈકાલ સાંજથી એવા સમાચાર ફરી રહ્યા છે કે ડોમને નુકસાન થયું છે. નુકસાન જરૂર થયું છે પરંતુ મારા, મારી ટીમના કે તમારા (ખેલૈયાઓના) ઉત્સાહને બિલકુલ નુકસાન થયું નથી.”

​લોકોના અઢળક પ્રેમ અને મેસેજ બદલ આભાર વ્યક્ત કરતા તેમણે વધુમાં ઉમેર્યું કે, “ડોમને બદલે હવે આપણે ખુલ્લા ગ્રાઉન્ડમાં નવરાત્રિ કરીશું. સાઉન્ડ અને લાઈટ સહિતની તમામ વ્યવસ્થાઓ યથાવત રહેશે. આપણે પરંપરા સાથે છીએ. જય માતાજી.”

​નવું સમયપત્રક અને કાર્યક્રમ

​ડોમ ધરાશાયી થવાની અણધારી ઘટનાને પગલે ગરબાના આયોજનના દિવસોમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે:

​નવી તારીખો: હવે આ પરંપરાગત ગરબા ૧૨ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે.

​અવિરત મહોત્સવ: ખેલૈયાઓ બીજા નોરતાથી લઈને દશેરા સુધી અવિરતપણે ગરબાની રમઝટ માણી શકશે.

​દુર્ઘટનાની વિગતો

​૯ ઓક્ટોબરની સાંજે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે એસી ડોમમાં આખરી તબક્કાની કામગીરી ચાલી રહી હતી. આ વિશાળ ડોમ પાછલા બે મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જે અચાનક જ તૂટી પડ્યો હતો.

​નોંધનીય છે કે આ નવરાત્રિનું આયોજન અંદાજે ૯ લાખ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે, જ્યાં એકસાથે ૧૨,૦00 થી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી ભવ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સદનસીબે ઘટના સમયે ગ્રાઉન્ડ પર મર્યાદિત શ્રમિકો હાજર હોવાથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

Related Posts