ગાંધીનગરના કલોલ તાલુકામાં પરિણીતાનો આપઘાત: સાસરિયાં સામે શારીરિક-માનસિક ત્રાસ અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

by Bansari Bhavsar

ગાંધીનગર / કલોલ:

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સઈજ ગામે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૨ વર્ષીય પરણિત મહિલા મોનીકાબેને સાસરિયાંના ત્રાસથી તંગ આવીને પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે પતિ સહિત સાસરિયાંના ૫ સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​ઘટનાની વિગત:

​મળેલી માહિતી અનુસાર, પેથાપુર ખાતે રહેતા વિક્રમભાઈ મફાભાઈ દંતાણીની ૨૨ વર્ષીય દીકરી મોનીકાના લગ્ન વર્ષ ૨૦૨૩માં સઈજ ગામે રહેતા કમલેશકુમાર વેરશીભાઈ દંતાણી સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને દોઢ વર્ષની દીકરી કૃતિકા છે.

​મૃતકના પિતાના જણાવ્યા મુજબ, દીકરીના જન્મ બાદ છેલ્લા દોઢ વર્ષથી ઘરના પ્રસંગોના વ્યવહારો તથા જમીન બાબતે સાસરિયાં દ્વારા બોલાચાલી અને ઝઘડો કરી મોનીકાને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ કમલેશકુમાર ઉપરાંત જેઠ-જેઠાણીઓ દ્વારા પણ તેને સતત હેરાન-પરેશાન કરવામાં આવતી હતી.

​ગળે ફાંસો ખાઈ લીધો અંતિમ શ્વાસ:

​તારીખ ૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારના આશરે ૦૯:૦૦ વાગ્યાના સુમારે મોનીકાબેને સાસરીમાં ઘરની છત પરની લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિજનો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

​૫ આરોપીઓ સામે FIR દાખલ:

​આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ ૧૦૮, ૮૫ અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે નીચે મુજબના પાંચ આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે:

​૧. કમલેશકુમાર વેરશીભાઈ દંતાણી (પતિ)

૨. કિશનભાઈ વેરશીભાઈ દંતાણી (જેઠ)

૩. મુકેશભાઈ વેરશીભાઈ દંતાણી (જેઠ)

૪. સુનીતાબેન કિશનભાઈ દંતાણી (જેઠાણી)

૫. કાજલબેન મુકેશભાઈ દંતાણી (જેઠાણી)

​પોલીસે મૃતદેહનું કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ (પોસ્ટમોર્ટમ) કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Related Posts