અમદાવાદના વેજલપુરમાં સગાઈ તૂટવા બાબતે બઝારમાં યુવતી પર ચાકુથી હુમલો: માતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગાઈ તૂટવાના અદાવતમાં એક યુવતી પર છરીથી હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ માەલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફેજાન ખાલીદભાઈ શેખ અને તેની માતા સમીમબાનુ ખાલીદભાઈ શેખ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

​શું છે સમગ્ર ઘટના?

​ફરિયાદી સાનિયા મોહમદસાજીદ મોહમદસાદિક શેખ (ઉ.વ. ૧૮) નામના યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, એકાદ વર્ષ પહેલાં તેમની ફ્લેટની બાજુમાં આવેલ ફેમી પાર્કમાં રહેતી તેમની બહેનપણી રેશ્માબાનુની સગાઈ અંજુમ કોલોનીમાં રહેતા ફેજાન ખાલીદભાઈ શેખ સાથે થઈ હતી. આ સગાઈમાં સાનિયા પણ ગઈ હતી, જેથી ફેજાન તેને ઓળખતો હતો.

​કોઈ કારણસર આ સગાઈ તૂટી ગઈ હતી, જેના કારણે ફેજાન અને તેના પરિવારને શંકા હતી કે સાનિયાના કારણે જ તેમની સગાઈ તૂટી છે.

​યુવતી પર છરીથી હુમલો

​તારીખ ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બપોરે સાડા બારેક વાગ્યાની આસપાસ ફેજાન અને તેની માતા સમીમબાનુ સાનિયાના ઘર આગળ આવ્યા હતા અને તેને બહાર બોલાવી હતી. ફેજાને પૂછપરછ શરૂ કરી કે તેણે બહેનપણીને શું વાત કરી કે તેણે સગાઈ તોડી નાખી? સાનિયાએ પોતે કઈ ન જાણતી હોવાનું કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

​વચ્ચે સાનિયાના માતા આવતા આરોપીઓએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો. દરમિયાન, જ્યારે સાનિયા વચ્ચે પડી ત્યારે આરોપીઓએ તેના વાળ પકડીને ગડદાપાટુનો માર માર્યો હતો. વધુ આવેશમાં આવીને ફેજાને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢીને સાનિયાના જમણા હાથના ખભાના ભાગે મારી દીધી હતી, જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું.

​સારવાર અને પોલીસ કાર્યવાહી

​બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાદમાં પિતા આવી જતાં 108 અને 112 પર કોલ કરીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.

​આ મામલે વેજલપુર પોલીસે બી.એન.એસ.ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બ), ૫૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઠાકોરને સોંપી છે.

Related Posts