ખેડા: રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કાળાબજારમાં રાંધણ ગેસનું રીફીલિંગ કરતા બે શખ્સો રૂ. ૬.૬૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

છેલાભાઈ ભરવાડ અને વિષ્ણુભાઈ પરમાર ગેરકાયદેસર રિફિલિંગ કરતા ઝડપાયા

by Bansari Bhavsar

​ખેડા તાલુકાના હરિયાળા ગામના ઝલેબીયા પુરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં કોઈપણ જાતની સુરક્ષા અને પરમીટ વગર ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનું રીફીલિંગ કરીને કાળાબજાર કરવાનું મોટું કૌભાંડ સીઆઈડી ક્રાઈમ (ગાંધીનગર) ની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી ૨ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૬,૬૧,૦૨૨/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની રેડ

​સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ બપોરના સમયે હરિયાળા ગામના ઝલેબીયા પુરા સ્થિત એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પર બે શખ્સો ગેરકાયદેસર રીતે મોટા ગેસ સિલિન્ડરમાંથી નાની-મોટી બોટલોમાં ઈલેક્ટ્રિક મોટર અને પાઈપ વડે ગેસ રીફીલિંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

​ઝડપાયેલા આરોપીઓ

​૧. છેલાભાઈ રાણાભાઈ ભરવાડ (ઉંમર: ૪૦ વર્ષ, રહે. હરિયાળા, ઝલેબીયા પુરા, તા.જી. ખેડા)

૨. વિષ્ણુભાઈ પરાગભાઈ પરમાર (ઉંમર: ૩૨ વર્ષ, રહે. રાજીવ નગરની ચાલી, નારોલ, અમદાવાદ)

​પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેલાભાઈ ભરવાડ ખેડા ગેસ એજન્સીમાં ડિલિવરી કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે અને વિષ્ણુભાઈ તેમની સાથે ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તેઓ એજન્સીમાંથી ભારત ગેસના ભરેલા સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી ગેરકાયદેસર રીતે અન્ય બોટલોમાં ભરીને વધુ ભાવે કાળાબજારમાં વેચતા હતા.

​રૂ. ૬.૬૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

​દરોડા દરમિયાન પુરવઠા અધિકારી અને નાયબ મામલતદારની હાજરીમાં સીઝર મેમો તૈયાર કરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો:

​ગેસ સિલિન્ડર (કુલ ૮૪ નંગ): ભારત ગેસના ઘરેલુ તથા કમર્શિયલ ભરેલા અને ખાલી સિલિન્ડર (કિંમત રૂ. ૨,૯૦,૦૨૨/-)

​વાહનો:

​અતુલ બ્લ્યુ કલરનો ટેમ્પો (નં. GJ 01 TD 8853) – કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-

​છોટા હાથી (નં. GJ 07 VW 8542) – કિંમત રૂ. ૨,૦૦,૦૦૦/-

​અન્ય સાધન-સામગ્રી:

​ગેસ રીફીલિંગ માટેની ઈલેક્ટ્રિક મોટર (રૂ. ૩,૦૦૦/-)

​સિમ્ફની કંપનીનો ઈલેક્ટ્રિક વજન કાંટો (રૂ. ૪,૦૦૦/-)

​મોબાઈલ ફોન (રૂ. ૧૦,૦૦૦/-)

​પોલીસ કાર્યવાહી અને ગુનો દાખલ

​કોઈપણ જાતના સુરક્ષા સાધનો, ફાયર સેફ્ટી સર્ટી કે પાસ-પરમીટ વગર માનવ જિંદગી જોખમાય તે રીતે વિસ્ફોટક ગેસનું ગેરકાયદેસર રીફીલિંગ કરવા બદલ બંને આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ ૨૮૭, ૨૮૮, ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩ અને ૭ હેઠળ સીઆઈડી ક્રાઈમ અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts