મધ્યપ્રદેશના ઘરફોડ ચોરીના ૧૧ ગુનાઓમાં છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા ઇનામી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા આંતરરાજ્ય ફરાર અને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ જિલ્લાના દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના ૧૧ ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગારને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે.

​ગુનાખોરીની પૃષ્ઠભૂમિ અને વોચ

​મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા આ કુખ્યાત આરોપીને ઝડપી પાડવા માટે ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સઘન વર્કઆઉટ કર્યું હતું.

​તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ આરોપી મધ્યપ્રદેશના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્મ્સ એક્ટ, ચોરી, એટ્રોસિટી, મારામારી અને ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. તે છેલ્લા ત્રણ વર્ષથી મધ્યપ્રદેશમાં ગુનાઓ આચર્યા બાદ ગુજરાતમાં આવીને અલગ-અલગ શહેરોમાં રહીને છૂટક કલર કામનું કામ કરતો હતો. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે જરૂરી વોચ ગોઠવીને ઇનામી આરોપીને દબોચી લીધો હતો.

​પકડાયેલ આરોપીની વિગત

​નામ: રણજીતસિંહ સ/ઓ અમરસિંગ રૂસ્તમસિંગ રાઠોડ (ઉંમર વર્ષ ૪૦)

​હાલ રહેઠાણ: કઠલાલ, તાલુકો અને જિલ્લો- ખેડા

​મૂળ વતન: ગામ- રૈકા, પોસ્ટ- બગોરા, તાલુકો/થાના- મહેગાવ, જિલ્લો- ભીંડ (મધ્યપ્રદેશ)

​અન્ય રાજ્યોમાં પણ છે ગુનાહિત ઇતિહાસ

​પકડાયેલા આરોપી વિરુદ્ધ મધ્યપ્રદેશના મહેગાવ, બરાસો અને રૌન ભિંડ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ આર્મ્સ એક્ટ, લૂંટ, ડાકુઓ સંબંધિત કલમો (૩૯૫, ૩૯૨, ૩૯૭) તથા ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

​અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરીને મધ્યપ્રદેશ રાજ્યના ઘરફોડ ચોરીના કુલ ૧૧ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Posts