અમદાવાદ:
મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને ૧૧૧ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૫૭,૦૦૦નો ક કુલ મુદ્દામાલ કબ્જે કરીને NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે હાથ ધરાયેલું ઓપરેશન
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. (NDPS) ના ગુનાઓ રોકવા માટે સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદાર તરફથી મળેલી માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને લઘધીરસિંહ જામભા ઝાલા (ઉં.વ. ૪૪, રહે. રણાણ ગામ, તા. ડભોડા, જી. ગાંધીનગર; મૂળ રહે. બલોલ, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર) નામના ઇસમની કબ્જા-ભોગવટામાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જપ્ત કરાયેલો મુદ્દામાલ:
ગાંજો: ૧૧૧ ગ્રામ (કિંમત રૂ. ૫,૫૦૦/-)
મોબાઇલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦/-)
એક્ટિવા સ્કૂટર: ૧ નંગ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-)
રોકડ રકમ: રૂ. ૧,૫૦૦/-
કુલ મુદ્દામાલ: રૂ. ૫૭,૦૦૦/-
અજ્ઞાત મહિલા સામે પણ ગુનો દાખલ
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો છારાનાગર ખાતે રહેતી એક અજ્ઞાત મહિલા પાસેથી મેળવવામાં આવ્યો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ) અને ૨૯ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.