અમદાવાદ:
સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સનાથલ રેલવે બ્રિજ પાસે જાહેર રોડ પરથી એક ઈસમને ગેરકાયદેસર હથિયાર સાથે દબોચી લીધો છે.
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, પેટ્રોલીંગ દરમિયાન પી.એસ.આઈ. એ.આર. બોળીયાને ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા માહિતી મળી હતી. જે આધારે કાર્યવાહી કરીને સરખેજ પોલીસે ઇમરાન અસલમભાઇ ખોખર (ઉં.વ. ૨૪, રહે. ૨૮૬ રાજીવનગર, હુસેની બેકરી સામે, મકરબા, સરખેજ, અમદાવાદ) નામના રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો ૧ હાથબનાવટનો દેશી તમંચો (પિસ્તોલ) અને રૂ. ૫,૦૦૦ની કિંમતનો વિવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.