જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ: બિનહરીફ વરણી, કાલે સત્તાવાર જાહેરાત

by Bansari Bhavsar

ગાંધીનગર: ગુજરાત ભાજપના નેતૃત્વમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સહકાર મંત્રી જગદીશ પંચાલ હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા પ્રદેશ પ્રમુખ બનશે. તેમણે આજે વિજય મુહૂર્તમાં કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પ્રદેશ પ્રમુખ પદ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

​બિનહરીફ જાહેર થયા

​જગદીશ પંચાલે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સુપરત કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ પદ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું નથી. આ કારણોસર, જગદીશ પંચાલ બિનહરીફ (Uncontested) જાહેર થયા છે.

​આવતીકાલે સવારે 10 વાગ્યે સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ

​હવે, આવતીકાલે, 4 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે કમલમ ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ તેમનો પદગ્રહણ સમારોહ પણ યોજાશે.

​આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

​સવારે 8:30 વાગ્યે અમદાવાદથી રેલી સ્વરૂપે નીકળશે

​સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ પહેલાં, જગદીશ પંચાલ આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ગાંધીનગર જવા રવાના થશે.

Related Posts