નિકોલના ફ્લેટમાં ચાલતી હતી ચોરીની ચાંદી ઓગાળવાની ભઠ્ઠી! ક્રાઇમ બ્રાન્ચે ૪૦ કિલો ચાંદી સાથે રાઠોડ બુલીયનના માલિકને દબોચ્યો

રાજકોટ ચાંદી ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ ૪૦ કિલો ચાંદી સાથે આરોપીની કરી ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: રાજકોટ શહેરના “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ‘શક્તિ સિલ્વર’ નામની પેઢીમાંથી થયેલી ૧૨૦ કિલોથી વધુ ચાંદીની ચકચારી ઘરફોડ ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે વધુ ૪૦ કિલો ચાંદીનો મુદ્દામાલ રિકવર કરી, ચોરીનો માલ રાખનાર વધુ એક આરોપીને નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

​શું હતો સમગ્ર બનાવ?

​રાજકોટના ચંપકનગર ખાતે આવેલી ‘શક્તિ સિલ્વર’ પેઢીમાં ગત તા. ૦૩/૦૨/૨૦૨૬ થી ૦૪/૦૨/૨૦૨૬ દરમિયાન તસ્કરોએ ત્રાટકીને ૧૨૦ કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સક્રિય થઈ હતી.

​કેવી રીતે પકડાયો આરોપી?

​અગાઉ આ ગુનામાં પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિની ૪૦ કિલો ચાંદી સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે બાકીનો મુદ્દામાલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ‘રાઠોડ બુલીયન’ નામની પેઢી ધરાવતા માંગુસિંગ જબ્બરસિંગ રાઠોડ પાસે છે.

​બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે નિકોલના ન્યુ ઇન્ડિયા કોલોની રોડ પર આવેલા ‘લીલા હાઇટ્સ’માં મકાન નંબર ૨૦૨ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી ચોરીનો ૪૦ કિલો ચાંદીનો જથ્થો અને દાગીના ઓગાળવાના સાધનો મળી આવ્યા હતા.

​કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની વિગત:

​પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૧,૧૫,૭૯,૮૩૫/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:

​ચાંદીના દાગીના: ૨૯ કિલો ૮૬૨ ગ્રામ

​ઓગાળેલી ચાંદી અને વેસ્ટ: ૧૦ કિલો ૭૬૯ ગ્રામ

​સાધનો: દાગીના ઓગાળવાની ૧ ભઠ્ઠી, ૬ કુલડી, ચીપિયા, કોટન રોલ, ખાર પાઉડર અને ૧ વજનકાંટો.

​આરોપીની ધરપકડ અને તપાસ

​આરોપી માંગુસિંગ રાઠોડ (ઉં.વ. ૫૦), જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો વતની છે, તે અગાઉના આરોપીની ધરપકડ બાદ ફોન બંધ કરી નાસી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તા. ૧૦/૦૨/૨૦૨૬ના રોજ સાંજે તેને ઝડપી લીધો હતો. હાલમાં આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ માટે રાજકોટ શહેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Posts