સરખેજમાં ‘સાહેબ’ આવ્યા ને બુટલેગરો ફાવ્યા: ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ દારૂ-જુગારની રેલમછેલ

એક નહીં પણ બે-બે 'વહીવટદારો' ને મેદાને ઉતાર્યા, દારૂ-જુગારની બદી બેફામ

by Bansari Bhavsar

અમદાવાદનો સરખેજ વિસ્તાર અત્યારે ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની ગયો છે. નવા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) એ ચાર્જ સંભાળ્યો તેને હજુ તો ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં જ આખા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે. આ વખતે ચર્ચા માત્ર એકની નથી, પણ એવી છે કે સાહેબે આખા વિસ્તારનો વહીવટ સંભાળવા માટે બે-બે વહીવટદારો ને ગાડીએ બેસાડી દીધા છે!

​બે વહીવટદારોની ‘ડબલ એન્જિન’ સરકાર!

​સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં અત્યારે ચર્ચાનો વિષય એ છે કે નવા આવેલા સાહેબે પોતાના ખાસ એવા બે માણસોને વહીવટ સોંપી દીધો છે. આ બંને વહીવટદારોએ ચાર્જ લેતાની સાથે જ બુટલેગરો અને જુગારધામ ચલાવતા તત્વો સાથે ‘સ્પેશિયલ મીટિંગો’ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

​પહેલો વહીવટદાર: જે મોટા ગજાના બુટલેગરો અને વિદેશી દારૂના સેટિંગ પાડે છે.

​બીજો વહીવટદાર: જે સ્થાનિક દેશી દારૂની ભઠ્ઠીઓ અને જુગારના અડ્ડાઓ પાસેથી ઉઘરાણીનું કામ સંભાળે છે.

​ગણતરીના દિવસોમાં જ સરખેજની સુરત બદલાઈ

​સામાન્ય રીતે કોઈ પણ નવો અધિકારી આવે ત્યારે ગુનેગારોમાં ફફડાટ હોય છે, પણ અહીં તો ઉલટું જ જોવા મળ્યું છે. સાહેબના આગમનના ગણતરીના કલાકોમાં જ આ બે વહીવટદારોએ આખા વિસ્તારમાં દારૂની રેલમછેલ કરી નાખી છે. ગલીએ-ગલીએ દેશી દારૂની પોટલીઓ અને ઠેર-ઠેર જુગારના પાના ટીંચાતા જોવા મળી રહ્યા છે.

​જનતા પૂછી રહી છે: આ પોલીસ સ્ટેશન છે કે વહીવટનું કેન્દ્ર?

​સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે. લોકો કહી રહ્યા છે કે, “સાહેબને હજુ આવ્યાને થોડો સમય જ થયો છે ત્યાં તો બે-બે વહીવટદારો આખા વિસ્તારમાં ઉઘરાણી કરવા નીકળી પડ્યા છે. પોલીસનો ડર હવે બુટલેગરોમાં રહ્યો નથી, કારણ કે તેમને ‘ઉપર’ સુધી પહોંચાડવાનું સેટિંગ આ વહીવટદારોએ કરી આપ્યું છે.”

​શું ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરશે?

  1. ​સવાલ એ ઉભો થાય છે કે શું અમદાવાદ પોલીસ કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ આ ‘બે વહીવટદારો’ ની જોડી પર લગામ કસશે? કે પછી સરખેજમાં આમ જ કાયદાના નામે વહીવટદારોનું રાજ ચાલતું રહેશે? ગણતરીના દિવસોમાં જ જે રીતે દારૂ-જુગારની બદી ફૂલીફાલી છે, તે જોતા લાગે છે કે સરખેજમાં ખાખીનો ખોફ હવે ઇતિહાસ બની ગયો છે.

Related Posts