અમદાવાદ:
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને લાલચ આપી તેઓના નામે બેંક ખાતા ખોલાવી, તેમાં ગેરકાયદેસર નાણાંની હેરફેર કરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. બાપુનગર પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે આ આઇ.ટી. એક્ટ (IT Act) અને ઓનલાઇન છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને કાવતરામાં સામેલ એક સાઉથ ઇન્ડિયન આરોપીની ધરપકડ કરી છે.
રૂ. ૭,૦૦૦ની લાલચ આપી કાળું નાણું ફેરવવાની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મુખ્ય સૂત્રધાર વરુણ વર્મા અને પકડાયેલ સહ-આરોપી ક્રિષ્ના પેન્ટાએ છેલ્લા ચાર વર્ષથી આ પૂર્વ આયોજિત કાવતરૂં રચ્યું હતું. તેઓ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પકડી, તેમના ડોક્યુમેન્ટ્સ અને નવા સીમકાર્ડ મેળવીને બેંકમાં ખાતા ખોલાવતા હતા.
આ ખાતાઓનો સંપૂર્ણ કંટ્રોલ આ ટોળકી પોતાની પાસે રાખતી હતી. ખાતાધારકોને વિશ્વાસમાં લેવા માટે દર મહિને રૂ. ૭,૦૦૦ ભાડું (કમિશન) આપવાની લાલચ આપવામાં આવતી હતી અને ખાતું શોધી લાવવા બદલ ક્રિષ્ના પેન્ટાને રૂ. ૩,૦૦૦ મળતા હતા. આ ભાડે રાખેલા ખાતાઓનો ઉપયોગ શેર માર્કેટ ફ્રોડ, ઓનલાઇન ગેમિંગ, કોલ સેન્ટર અને ખંડણી (Extortion) જેવા ગેરકાયદેસર કામોના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો.
પોલીસે ગોઠવી જાળ અને આરોપી ઝડપાયો
બાપુનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગઢવી અને સર્વેલન્સ ટીમ દ્વારા બેંક ખાતાઓની વિગતો અને મની ટ્રેલ (Money Trail) તપાસીને વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે બાપુનગરમાં રહેતા મૂળ તેલંગાણાના ૩૮ વર્ષીય આરોપી કિષ્ના મધુકર વિઠ્ઠલભાઇ પેન્ટાને દબોચી લેવાયો છે. જ્યારે આ ગુનાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ વરુણ વર્મા હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.