નરોડા પોલીસની મોટી કાર્યવાહી: કોહીનૂર બિઝનેસ હબમાં ચાલતા જુગારધામ પર દરોડા, ૮ આરોપીઓ સાથે ₹૨૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત

​DJ ઓફિસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે નરોડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. નરોડા વિસ્તારમાં આવેલા કોહીનૂર બિઝનેસ હબમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૮ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ₹૨૩,૪૮,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

​નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સી.વી. નાયકને ચોક્કસ બાતમી મળી હતી કે, નરોડા રિંગ રોડ મુઠીયા ટોલટેક્સ પાસે આવેલા ‘કોહીનૂર બિઝનેસ હબ’ ના છઠ્ઠા માળે દુકાન નંબર ૬૦૫માં, જે ‘જેડી બ્રધર ડી.જે. એન્ડ સાઉન્ડ’ ના નામે ચાલે છે, ત્યાં બહારથી માણસો બોલાવી પૈસા-પાનાથી હાર-જીતનો જુગાર રમાડવામાં આવે છે.

​આ બાતમીના આધારે પી.એસ.આઈ. વી.આર. ચૌધરી અને તેમની ટીમે ઓચિંતો દરોડો પાડતા ઓફિસની અંદર જુગાર રમતા શખ્સોમાં ફફડાટ મચી ગયો હતો.

​ઝડપાયેલા આરોપીઓની વિગત

​પોલીસે સ્થળ પરથી નીચે મુજબના ૮ શખ્સોને પકડી પાડ્યા છે:

​દિપલભાઈ નટવરલાલ સિદ્ધપુરા (રહે. બાપુનગર) – મુખ્ય સંચાલક

​ચેતનભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે. ઓઢવ)

​નીરવ કમલેશભાઈ પટેલ (રહે. વસ્ત્રાલ)

​અશોક કનુભાઈ પટેલ (રહે. નિકોલ)

​વિજયભાઈ ધીરુભાઈ પટેલ (રહે. નિકોલ નરોડા રોડ)

​વિનોદ ડાહ્યાભાઈ પટેલ (રહે. ઇન્ડિયા કોલોની, બાપુનગર)

​રાજેશ કાનજીભાઈ પટેલ (રહે. વસ્ત્રાલ)

​વિપુલભાઈ રવજીભાઈ પટેલ (રહે. નિકોલ)

​જપ્ત કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત: ₹૨૩,૪૮,૨૦૦)

​પોલીસે રેડ દરમિયાન નીચે મુજબની ચીજવસ્તુઓ કબજે કરી છે:

​રોકડ રકમ: ₹૧,૧૮,૨૦૦/- (જેમાં નાળના, દાવના અને અંગઝડતીના નાણાંનો સમાવેશ થાય છે)

​મોબાઈલ ફોન: ૦૮ નંગ (કિંમત ₹૨,૬૦,૦૦૦/-)

​વાહનો: ૦૫ નંગ (કિંમત ₹૧૯,૭૦,૦૦૦/-)

​અન્ય: ગંજીપાના, લાઈટ બિલ અને ગાડીમાંથી મળેલ અન્ય રોકડ.

​પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી

​આ સફળ કામગીરી સિનિયર પી.આઈ. સી.વી. નાયકના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આર. ચૌધરી, એમ.એસ.આઈ. ઈશ્વરસિંહ, હરપાલસિંહ, બરેન્દ્રસિંહ, ભાવેશભાઈ, અનિરુદ્ધસિંહ, કલ્પેશભાઈ, પિયુષભાઈ, રઘુવીરસિંહ અને મૌલિકસિંહ દ્વારા કરવામાં આવી હતી.

​નરોડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts