ગુજરાત રાજ્યમાંથી નશાકારક અને નાર્કોટિક્સ પદાર્થોની બદીને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “ZERO TOLERANCE” (શૂન્ય સહનશીલતા) ની નીતિ અપનાવવામાં આવી છે. આ જ અભિયાન અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
બાતમીના આધારે સફળ રેઈડ
મૂળ બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ અને આધારભૂત માહિતીના આધારે, એ.એન.ડબલ્યુ. અને સાણંદ પોલીસની ટીમે સાણંદ તાલુકાના ફાંગડી ગામ ખાતે રેઈડ કરી હતી. આ રેઈડ દરમિયાન આરોપી વિષ્ણુભાઈ ઉર્ફે ઘનશ્યામ નવઘણભાઈ કોળી પટેલના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે સંગ્રહિત કરાયેલ નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
એફ.એસ.એલ. (F.S.L.) અધિકારીઓની ઉપસ્થિતિમાં તપાસ કરતાં એન.ડી.પી.એસ. (N.D.P.S.) એક્ટ હેઠળ પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો:
કોડેઈન યુક્ત કફ સીરપની બોટલો: ૧,૪૩૦ નંગ (કિંમત રૂ. ૨,૩૫,૯૫૦/-)
મોબાઈલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)
કુલ મુદ્દામાલની કિંમત: રૂ. ૨,૪૦,૯૫૦/-
આરોપી વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે NDPS Act ની કલમ ૮(સી), ૨૧(સી), અને ૨૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ પ્રશાસનની લોકજાગૃતિ અર્થે અપીલ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ડ્રગ્સ કે નશાકારક પદાર્થોનું વેચાણ, સેવન કે હેરાફેરી એ સામાજિક દૂષણ છે. જો તમારા વિસ્તારમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવે, તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા MANAS (National Narcotics Helpline) ના ટોલ ફ્રી નંબર ૧૯૩૩ (1933) પર સંપર્ક કરો. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.