અમદાવાદના નરોડા વિસ્તારમાં વહેલી સવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નરોડાના આંબેડકરનગર પાસે આવેલા કર્મવીર હાઉસિંગ (દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજના) બહાર ૩ થી ૪ અજાણ્યા શખ્સોએ એક યુવક પર લાકડીઓ અને ધોકા વડે અમાનુષી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી દીધી છે.
લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પરથી લાશ મળી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે જ્યારે આસપાસના લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક યુવકને લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર પડેલો જોયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક નરોડા પોલીસને ઘટના અંગે માહિતગાર કરી હતી.
મૃતકની ઓળખ થઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જતીન સોલંકી તરીકે થઈ છે, જે નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બે આરોપીઓની ઓળખ, ધરપકડના ચક્રો ગતિમાન
ઘટનાની માહિતી મળતા જ નરોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં નરોડાના જ ૩ થી ૪ સ્થાનિક શખ્સોએ અંગત અદાવતમાં આ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નરોડા પોલીસે આ મામલે ૨ આરોપીઓની ઓળખ કરી લીધી છે. હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધોખોળ હાથ ધરવામાં આવી છે અને તેમને વહેલી તકે જેલહવાલે કરવાની તજવીજ ચાલી રહી છે.