અમદાવાદ ગ્રામ્ય: સાણંદના વિંછીયા ગામે પિતાએ જ 10 વર્ષીય પુત્રની હત્યા કરી; ગણતરીના કલાકોમાં આરોપી પિતા ઝડપાયો

by Bansari Bhavsar

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના વિંછીયા ગામમાં એક અત્યંત હ્રદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુત્ર માતાજીનો ભુવો ન બને તે માટે કાળમુખા પિતાએ જ પોતાના 10 વર્ષીય માસૂમ પુત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. સાણંદ પોલીસે આ મર્ડરના ભેદને ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢીને આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

​ઘટનાની વિગતો:

​પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. ૦૧/૧૧/૨૦૨૬ના રોજ સાંજ કલાક ૧૯:૦૦ વાગ્યાની આસપાસ વિંછીયા ગામમાં આવેલા જોગણી માતાજીની દેરી પાસે આ બનાવ બન્યો હતો. આરોપી નરેશભાઈ અજમલભાઈ કો.પટેલ (ઉ.વ. ૩૬, રહે. વિંછીયા ગામ, જુના બસ સ્ટેન્ડ પાસે, તા. સાણંદ, જિ. અમદાવાદ) નો 10 વર્ષીય પુત્ર કરણ માતાજીનો ભુવો ન બને તેવું પિતા ઇચ્છતા હતા. આ બાબતે ઉશ્કેરાયેલા પિતાએ પોતાના જ સગા દીકરાને માતાજીની દેરી આગળ પકડીને પગથી બે-ત્રણ વખત પછાડ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં લાકડી ફટકારી હતી, જેના કારણે માસૂમ બાળકનું ક્રૂરતાપૂર્વક મોત નીપજ્યું હતું.

​પોલીસની સરાહનીય કામગીરી:

​પોલીસ મહાનિરીક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ (અમદાવાદ વિભાગ), પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ (અમદાવાદ ગ્રામ્ય) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગોસ્વામી (સાણંદ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એલ. ચૌહાણ તથા તેમની ટીમે આ ગંભીર ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

​આ બનાવ અંગે સાણંદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગુનો આચરનાર આરોપી પિતા નરેશભાઈ અજમલભાઈ કો.પટેલને ઝડપી પાડી કાયદેસરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts