વલસાડ, તા. ૨૯ ઓગસ્ટ: વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ‘સાંસદ ખેલ મહોત્સવ’ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંસ્કાર કેન્દ્ર, વલસાડ ખાતે યોજાયો હતો અને જેમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, ધારાસભ્યો ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનારા ક્રિકેટર હેમિલ પટેલ અને સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયન યઝદી ચિનોઇનું સન્માન કર્યું હતું.

સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને ‘સ્પોર્ટ્સ ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ‘ખેલશે ગુજરાત, રમશે ગુજરાત’ જેવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલથી શાળા કક્ષાથી જ ખેલાડીઓને તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને રમતગમતમાં કારકિર્દી બનાવવાનું પ્લેટફોર્મ મળ્યું છે.

સાંસદે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના નિર્દેશ અનુસાર દેશના તમામ સાંસદો પોતપોતાના મતવિસ્તારમાં સ્થાનિક અને અન્ય રમતોના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ‘સાંસદ ખેલ મહોત્સવ’ પોર્ટલનો દેશભરમાં એકસાથે શુભારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલ ટેનિસ, બેડમિંટન, સ્વિમિંગ, સ્કેટિંગ અને સાઇકલિંગ જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. વલસાડ-ડાંગના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ડાંગના જાણીતા એથ્લેટ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિતની પણ મદદ લેવામાં આવશે.
’સાંસદ ખેલ મહોત્સવ’ માટે રજીસ્ટ્રેશન તા. ૨૯મી ઓગસ્ટથી તા. ૨૨મી સપ્ટેમ્બર સુધી www.sansadkhelmahotsav.in લિંક પર કરી શકાશે. આ સ્પર્ધાનું સમાપન દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ, ૨૫મી ડિસેમ્બરના ‘સુશાસન દિવસ’ નિમિત્તે કરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્મા સહિત અનેક અધિકારીઓ, કોચ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.