અમદાવાદ:
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડપણ હેઠળ ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર અને સક્રિય નેટવર્ક ઊભું કરનારા વધુ ૫ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આ આતંકી મોડ્યુલમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા ૧૩ પર પહોંચી ગઈ છે.
ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી
ATSના નાયબ પોલીસ અધિક્ષક (DySP) હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જૈશ-એ-મોહમ્મદની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરી ગુજરાતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે સક્રિયપણે આયોજન કરી રહ્યા છે. આ ઇસમો ભારતીય નાગરિકોનો સંપર્ક સાધી તેઓને જેહાદ માટે પ્રોત્સાહિત કરતા હતા.
આ કાવતરાના સંદર્ભમાં ગત ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ ATS પોલીસ સ્ટેશન ખાતે ૦૮ ઇસમો વિરૂદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
રૂ. ૧,૩૦,૦૦૦ અને વાંધાજનક જેહાદી સાહિત્ય જપ્ત
ATSના પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી DySP એસ. એલ. ચૌધરી અને DySP હર્ષ ઉપાધ્યાયની ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટ્રોગેશન ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી:
જૈશ-એ-મોહમ્મદ (JeM) નો ઝંડો
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસુડ અઝહરની જેહાદી કિતાબો અને તેને લખેલા પત્રોની પ્રિન્ટેડ કોપીઓ
ટેરર ફંડિંગ માટે વાપરવામાં આવનારી રૂ. ૧,૩૦,૦૦૦ ની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે.
બોમ્બ બનાવવાની ટ્રેનિંગ અને ૮ વાર બ્લાસ્ટના સક્રિય પ્રયાસો!
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ વર્ષ ૨૦૨૩થી સિદ્ધપુરના ખડિયાસણ ખાતે આવેલી જામિયા અબુલ હસન મદ્રેસામાં રહીને બોમ્બ બનાવવાની પદ્ધતિ તેમજ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) ડેટોનેટ કરવાની મિકેનિઝમ શીખી રહ્યા હતા. તે માટે તેઓ “અકેલા મુજાહિદ જિહાદ કૈસે કરે” નામની આતંકી કિતાબની નકલો વાંચતા હતા.
આરોપીઓએ ગન પાઉડર બનાવવાની સામગ્રી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને સ્થાનિક બજારોમાંથી ખરીદી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ વર્ષ ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ સમયે વિવિધ નિર્જન જગ્યાઓ પર કુલ ૦૮ વાર અલગ-અલગ ટાઇમર મિકેનિઝમથી આઈઈડી (IED) બ્લાસ્ટ કરવાનો સક્રિય પ્રયાસ (ટ્રાયલ) કર્યો હતો. મુખ્ય આરોપી મોહમ્મદ અમીન શેરા પાસેથી IED બોમ્બ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરાઈ છે.
ધરપકડ કરાયેલા નવા ૫ આરોપીઓની વિગત:
ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી રેડ પાડીને નીચે મુજબના ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:
બિલાલ આબીદભાઈ શેરા (ઉં.વ. ૨૪): હાલ રહે. કઠવાડા GIDC, અમદાવાદ (મૂળ રહે. સિદ્ધપુર, પાટણ). તેણે અગાઉ પકડાયેલા આરોપી અમીનને પેનડ્રાઈવ આપી હતી જેમાં જેહાદી વીડિયો અને સાહિત્ય હતું.
મહમદ ઐયુબ કડીવાલ (ઉં.વ. ૨૨): રહે. ખડિયાસણ, સિદ્ધપુર, જી. પાટણ. તેણે મસ્જિદમાં ભેગા થઈને બોમ્બ અસેમ્બલ કરવાનો સફળ બ્લાસ્ટ શીખ્યો હોવાની કબૂલાત કરી છે.
મોહમ્મદ ઐયુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (ઉં.વ. ૨૦): ધંધો-અભ્યાસ, રહે. ખળી, તા. સિદ્ધપુર, જી. પાટણ (હાલ દારુલ ઉલૂમ મદ્રેસા, ભરૂચ).
શફીઅ રઈસ મુખી ઉર્ફે શફિ છાપી (ઉં.વ. ૨૧): રહે. છાપી, તા. વડગામ, જી. બનાસકાંઠા.
મોહમદહસન હનીફભાઈ કરડીયા ઉર્ફે હસન હૈદરપુરી (ઉં.વ. ૨૦): રહે. હૈદરપુરા, તા. સરસ્વતી, જી. પાટણ.
૮ દિવસના રિમાન્ડ મંજૂર
આ તમામ આરોપીઓ મદ્રેસાના અન્ય વિદ્યાર્થીઓને પણ જેહાદમાં જોડાવા માટે દાવત (આમંત્રણ) આપતા હતા. દેશ વિરુદ્ધ મોટા આતંકવાદી કૃત્યને અંજામ આપવાના કાવતરામાં સક્રિય સંડોવણી જણાતા, ATS દ્વારા તમામ ૫ આરોપીઓની અટકાયત કરી અદાલતમાંથી ૦૮ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર આતંકી નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.