રાજકોટ:
રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી રોકવા માટે એન્ટી નાર્કોટિક્સ સેલ અને પોલીસ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે એન્ટી નાર્કોટિક્સ વિંગે નાના મવા સર્કલ નજીક આવેલા સરકારી આવાસ ક્વાર્ટરમાં દરોડો પાડીને એક મહિલાને નશાકારક પદાર્થ (ગાંજા)ના જથ્થા સાથે ઝડપી પાડી છે.
બાતમીના આધારે દરોડો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાના મવા સર્કલ પાસે આવેલા આવાસ ક્વાર્ટરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ અને સંગ્રહ થતો હોવાની ચોક્કસ બાતમી એન્ટી નાર્કોટિક્સ વિંગને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કૌશર સલીમભાઇ મેતર નામના મહિલાના કબ્જામાંથી 5.241 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
₹2.65 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસ દરોડા દરમિયાન 5.241 કિલો ગાંજો અને અન્ય આનુષંગિક સામગ્રી મળીને કુલ રૂપિયા 2.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
પોલીસે આરોપી મહિલા કૌશર સલીમભાઇ મેતર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરના કયા વિસ્તારોમાં અથવા કોને કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસે આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.