અમદાવાદમાં અદાણી ગેસ બિલ અપડેટના નામે ૫.૮૯ લાખની છેતરપિંડી, APK ફાઇલ મોકલી લોન મંજૂર કરાવી લીધી

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરમાં સાયબર ઠગોનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે નારણપુરા વિસ્તારમાં અદાણી ગેસ મીટર અને KYC અપડેટ કરવાના બહાને એક આધેડ સાથે રૂ. ૫.૮૯ લાખથી વધુની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.

​સત્યમ સ્કાયલાઈન-૦૨, એ.ઈ.સી ચાર રસ્તા, નારણપુરા ખાતે રહેતા ૫૭ વર્ષીય પ્રેમચંદ માંગીલાલ વાલેરા નામના નાગરિકે તારીખ ૧૯/૧૦/૨૦૨૬ ના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

​ઠગાઈની આખી ઘટના:

​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ બપોરના ૧૨:૦૦ થી સાંજના ૪:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન પ્રેમચંદભાઈ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર 9459822173 અને +918936001748 પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો.

​સામસામેની વાતચીતમાં ગેસ બિલ અપડેટ કરવાના બહાને વોટ્સએપ (WhatsApp) પર “ADANI GAS METER UPDATE KYC PDF.APK” નામની શંકાસ્પદ એપ્લિકેશન ફાઇલ મોકલવામાં આવી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગોએ પ્રેમચંદભાઈના મોબાઈલ ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો.

​બેંક ખાતામાંથી પ્રી-એપ્રુવલ લોન મેળવી રકમ સેરવી લીધી:

​મોબાઈલનો એક્સેસ મેળવ્યા બાદ સાયબર ગઠિયાઓએ પ્રેમચંદભાઈના ડેબિટ કાર્ડની ખાનગી વિગતો મેળવી લીધી હતી. આ વિગતોનો ઉપયોગ કરીને KOTAK MAHINDRA બેંકના ખાતા પર પ્રેમચંદભાઈની જાણ બહાર રૂ. ૧૪,૩૦,૦૦૦/- ની પ્રી-એપ્રુવલ લોન મંજૂર કરાવી લીધી હતી.

​ત્યારબાદ લોનની રકમમાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૫,૮૯,૪૧૪/- ની રકમ અલગ-અલગ અજાણ્યા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

​પોલીસ તપાસ શરૂ:

​આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી પી. વી. વાઘેલા ચલાવી રહ્યા છે.

​પોલીસ સલાહ / સાવચેતી:

વોટ્સએપ કે એસએમએસ પર આવતી કોઈપણ અજાણતી .APK ફાઈલો ડાઉનલોડ કે ઈન્સ્ટોલ ન કરવી. સાયબર ફ્રોડનો ભોગ બનતા જ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો.

 

Related Posts