અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિનું કારમાં અપહરણ કરી ₹34 લાખની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. આ અંગે ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધી હાઇવેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
બેંકમાંથી નાણાં ઉપાડી પરત ફરતા બની ઘટના
મળતી માહિતી મુજબ, કેતન પરીખ નામના વ્યક્તિ પોતાની પેઢી માટે બેંકમાંથી ₹34 લાખની રોકડ રકમ ઉપાડીને મોડી સાંજે પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને મોપેડ રોકાવ્યું હતું.
ત્યારબાદ બંને શખ્સોએ કેતન પરીખને નાણાં ભરેલી બેગ સાથે બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી દીધા હતા અને ગાંધીનગરના ધોળાકુવા તરફ લઈ ગયા હતા.
₹34 લાખની બેગ આંચકી રસ્તા પર ઉતારી દીધા
ગાંધીનગર નજીક પહોંચીને અપહરણકારોએ કેતન પરીખ પાસેથી ₹34 લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી અને તેમને ત્યાં જ રસ્તા પર ઉતારીને ગાડી સાથે ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારે તાત્કાલિક પોતાની પેઢી અને પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી.
સીસીટીવી અને વાહનના નંબરના આધારે શોધખોળ
ઓઢવ પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી નારોલ-નરોડા હાઇવે તથા ગાંધીનગર રોડ પરના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને વાહનના નંબરના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.